રાજકોટ: ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જાહેર થયેલા પરિણામમાં ગોટાળા સામે આવતા આજે પ્રદેશ NSUI પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ CBRT (કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ) રદ કરવાની માગ કરવામાં આવી હતી.
6 કાર્યકરને ડીટેન કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ: વિરોધકર્તા કલેક્ટર ઓફિસની અંદર જવા પ્રયાસ કરતા હોવાથી પોલીસે તેમને પકડ્યા હતા. આથી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દૃશ્યો જોવા મળ્યા હતા. આ દરમિયાન એક કાર્યકર પોલીસવાન પર ચડી ગયો હતો. કાર્યકરો કલેક્ટર ઓફિસમાં ઘૂસે એ પહેલા પોલીસે એક એકને ખેચીને અટકાયત કરી હતી. પોલીસ 6 કાર્યકરને ડીટેન કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી રજૂઆત કરવા પહોંચ્યા: મળતી વિગત મુજબ જાણવા મળે છે કે, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રાજ્યમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે લેખિત પરીક્ષા CBRT પદ્ધતિથી એટલે કે ઓનલાઇન લેવામાં આવી હતી. જેમાં ગોટાળા થયા હોવાના આક્ષેપ સાથે આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના આગેવાનો વિદ્યાર્થીઓને સાથે રાખી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
પોલીસ દ્વારા માત્ર 10 વિદ્યાર્થીઓને રજૂઆત કરવાની છૂટ અપાઈ: જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ગોટાળા થયા છે અને તેમાં 6000 વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ ટેસ્ટ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે, પરંતુ તમામ વિદ્યાર્થીઓના માર્ક જાહેર કરવામાં આવ્યા નથી. જેથી તેમાં ગેરરીતિ થઈ હોવાની શંકા ઉપજી રહી છે. આ ઉપરાંત કોમ્પ્યુટર આધારિત પરીક્ષા પદ્ધતિ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માગણી છે. કારણ કે, આ પરીક્ષા પદ્ધતિથી વિદ્યાર્થીઓને નુકસાન થાય છે.' આમ કલેક્ટર કચેરીમાં વિદ્યાર્થી સંગઠનના પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોએ ધરણા પ્રદર્શન કર્યું હતું, અને તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી રજૂઆત માટેનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા માત્ર 10 જ વિદ્યાર્થીઓને રજૂઆત કરવા માટેની છૂટ આપવામાં આવતા મામલો ગરમાયો હતો.
ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ રજૂઆત કરી: જેમાં પોલીસે નરેન્દ્ર સોલંકી સહિત 6 વિદ્યાર્થી કાર્યકરોની ડીટેન કર્યા હતા. આ સમયે એક વિદ્યાર્થી કાર્યકર પોલીસવાન પર ચડી જતાં પોલીસે વાન પરથી આ વિદ્યાર્થી કાર્યકરને નીચે ઉતાર્યો હતો. બાદમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી.