ગીર સોમનાથ: સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગાભા ગામમાં આવેલી ખાનગી કંપનીના 90 ફૂટ ઊંડા કુવામાં 15 ફૂટ લાંબો મહાકાય અજગર અચાનક અકસ્માતે ખાબક્યો હતો. અજગર કુવામાં પડ્યો હોવાની જાણ કંપનીના કર્મચારીઓને થતા તેમણે સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે સમગ્ર ઘટનાની જાણ કરી હતી.ત્યારબાદ સાસણ વન વિભાગ દ્વારા અજગરને સફળતાપૂર્વક બહાર કાઢવાનું અભિયાન શરૂ કર્યું હતું. ખૂબ જ મુશ્કેલ ગણાતા અભિયાનમાં બે થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ વન વિભાગના કર્મચારીઓએ અજગરને જીવતો કૂવામાંથી બહાર કાઢીને અજગરને કોઈ ઈજા કે નુકસાની નહીં થતા તેને ફરી નજીકના જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
અજગરનું રેસ્ક્યુ ખૂબ જ મુશ્કેલ: સાસણ વન વિભાગના કર્મચારીઓ કોઈ પણ પ્રાણીના રેસક્યુ કરવા માટે વિશેષ તાલીમ મેળવેલા હોય છે. સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓનું રેસ્ક્યુ ખૂબ જ સફળતાપૂર્વક થતુ હોય છે. જેમાં કુવામાં ખાબકેલા સિંહ કે દીપડા સહિત અન્ય વન્ય પ્રાણીને બેભાન કરીને સફળતાપૂર્વક કુવામાંથી બહાર કાઢતા હોય છે. પરંતુ અજગરને બેભાન કર્યા વગર કુવામાંથી બહાર કાઢવો ખૂબ જ મુશ્કેલ અને જોખમી મનાતું હતું પરંતુ વન વિભાગના કર્મચારીઓએ સફળતાપૂર્વક અજગરને બહાર કાઢીને તેને ફરી પાછો કુદરતી વાતાવરણમાં જંગલમાં મુક્ત કર્યો છે.