મહેસાણા: લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે માટે તમામ મતદાન મથક સ્થળોએ વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભારતીય ચૂંટણીપંચના “સમાવેશી ચૂંટણી” ના સૂત્રને સાર્થક કરતા મહેસાણા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનોખી પહેલ કરી છે.
મહેસાણા જિલ્લાના 1037 મતદાન મથક સ્થળો પર કાયમી ધોરણે વ્હીલચેરની વ્યવસ્થા કરી આગવી સિદ્ધિ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એમ નાગરાજનના માર્ગદર્શનથી જિલ્લા ચૂંટણી તંત્રએ હાંસલ કરી છે. મહેસાણા લોકસભા સામાન્ય ચૂંટણી: 2024 તેમજ 26 વિજાપુર વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી અંતર્ગત મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ મતદારો વધુમાં વધુ મતદાન કરી શકે અને દિવ્યાંગજનોના પ્રયત્નોને અન્ય મતદારો સુધી પહોંચાડી 'મતદાનના દિવસે અચૂક મતદાન કરાવવાના' પ્રયાસને વધુ સુદ્રઢ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.
મહેસાણા શહેરમાં સુયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી પી.ડી પલસાણાની વિશેષ ઉસ્થિતિમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગજનોની વ્હીલચેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી જિલ્લા પંચાયત મહેસાણાથી સરદાર પટેલ સ્ટેડીયમ સુધી યોજાઇ હતી. જેમાં મતદાન જાગૃતિના વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ રેલીમાં દિવ્યાંગજનોએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વ્હીલચેર સાથેનો સક્ષમ લોગો બનાવીને અચૂક મતદાન કરવાનો મેસેજ આપવામાં આવ્યો હતો.