અમદાવાદ: ગુજરાતમાંથી લગભગ 15,000 ની આસપાસ હજયાત્રીઓ હજ માટે મક્કા ગયા છે. હજયાત્રીઓને આ વર્ષે આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે અત્યાર સુધીમાં 1000 જેટલા હજયાત્રીઓના મોત થયા છે અને આ અંગે ગુજરાત હજ કમિટીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી પણ પાંચ હજયાત્રીઓના મોત ભારે ગરમીના કારણે થયા છે. મક્કામાં ગરમીનો પારો 52 ડિગ્રીને પાર જતાં 12 જૂનથી 19 જૂન વચ્ચે 645 હજયાત્રીઓનાં મોત થયાં છે.
ગુજરાતના પાંચ હજયાત્રીના મોત: આ અંગે ગુજરાત હજ કમિટીના ચેરમેન ઈકબાલ સૈયદે જણાવ્યું હતું કે, મક્કામાં આકરી ગરમી છે જેના કારણે હજયાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ ગરમીના કારણે ગુજરાતના પાંચ હજયાત્રીઓ જેમાં બનાસકાંઠા, અમદાવાદ, વડોદરાના, છોટા ઉદેપુર અને વલસાડના છે. આ દરમિયાન મૃત્યુ પામેલા લોકોના તેના નામ આપતા સૈયદ ઈકબાલે જણાવ્યું હતું કે છોટા ઉદયપુરના હાજી ઈકબાલ અહમદ મકરાણા, અમદાવાદના શબીર હુસૈન, વડોદરાના મુસ્તાક અહેમદ, બનાસકાંઠાના નૌરા ભાઈ મકરૂહા અને વલસાડના કાસિમ અલીએ હજ દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
તેમણે ઉમેર્યું હતું કે, મૃતકોના પરિવારજનોએ જનાજો ભારત લાવવાનો ઈન્કાર કર્યો છે. ગુજરાતના હજ કમેટીના તમામ વાલીઓના સંપર્કમાં છે અને સાઉદી સરકારના સંપર્કમાં છે કે ગુજરાતના હજયાત્રીઓને કોઈપણ પ્રકારની અગવડતા ભોગવવી ન પડે અને આ માટે ગુજરાત હજ કમિટીએ ફિલ્ડ ટ્રેનર અને હજ કમિટીના સભ્યો સાથે બેઠક પણ યોજી છે. જેથી હજયાત્રિકોની શક્ય તેટલી શ્રેષ્ઠ કાળજી લેવામાં આવે અને તેમને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેની વાત કરી છે.