કચ્છ: ભુજ નગરપાલિકાના કાઉન્સિલર ધર્મેશ ગોરની ઓફીસની બારે ફાયરિંગની ઘટના ઘટી છે. કાઉન્સિલરના વાડામાં ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે. હુમલો કરનાર ધારિયા, તલવાર અને બંદૂક જેવા હથિયારથી વાડામાં તોડફોડ કરવામાં આવી છે. તો કાઉન્સિલરના જણાવ્યા મુજબ 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ કાઉન્સિલરને જાનથી મારી નાખવા ધમકી પણ મળી હોવાની વાત કરી હતી. તો સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો પણ વાયરલ થયા છે. સમગ્ર મામલે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને જોકે ફાયરિંગ થઈ છે કે કેમ તે મામલે તેમજ વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના નગરસેવક ધર્મેશ ગોરે નોંધાવેલ ફરિયાદ મુજબ ગઈકાલે મુન્દ્રા રોડ પાસે આવેલ ફાટેલા તળાવની પાળ વરસાદને કારણે તૂટી ગયેલી હતી. જેથી ભુજ નગરપાલિકા તરફથી ત્યાં હિટાચી મશીનથી સમારકામ ચાલતું હતું. ધર્મેશ ગોર પોતાના ઘરેથી બપોરના આશરે 3 વાગ્યે પોતાની ગાડી સ્કોર્પીયો લઈને ફાટેલા તળાવ પાસેનું કામ જોવા માટે ગયા હતા.
ગાળાગાળી કરીને ઝગડો કર્યો: ત્યાં આગળ કામકાજ જોયા બાદ સિલ્વર સીટીના ગેટ પાસે આવેલ રબારીની ચાની હોટલ પાસે સાંજના સમયે નગરપાલિકાના કર્મચારીઓ સાથે ચા પીવા માટે ગયા હતા. ત્યારે થોડીક વાર રહીને ઈક્કો ગાડીમાં જ્યવીરસિંહ દેવુભા જાડેજા સાથે બે અજાણી વ્યક્તિ આવ્યા. જેમાં ઈક્કો ગાડીની ખાલી સાઈડ ઉપર જયવીરસિંહ બેઠેલો હતો અને આ જયવીરસિંહ આંખો કાઢીને જોતો હતો. ત્યારે જયવીરસિંહને ધર્મેશ ગોરે પૂછ્યું કે તેની સામે આંખો કેમ કાઢે છે તો જયવીરસિંહે ગાડીમાંથી અપશબ્દો આપતા તેને ગાળો આપવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.
જાનથી મારી નાખવાની ધમકી આપી: જયવીરસિંહે ગાડીમાંથી નીચે ઉતરી ઝગડો કરવા લાગ્યો હતો. જેથી આજુબાજુના માણસોએ બન્ને લોકોને છોડાવ્યા હતા. ત્યારબાદ જયવીરસિંહ ઈક્કો ગાડીમાંથી લોખંડની પાઈપ લઈને મારવા આવતા ત્યાં આગળ જયવીરસિંહના કાકા મેરૂભા આવી જતાં જયવીરસિંહને પકડી પાડી, ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારે જયવીરસિંહે જતા જતા ધર્મેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યાર બાદ કાઉન્સિલર ધર્મેશ ગોર સીલ્વર સીટીમાં આવેલ પોતાની ઓફીસે ગયો હતો અને થોડીક વાર રહીને ત્યા જયવીરસિંહના કાકા મેરૂભા આવ્યા અને જણાવ્યું હતું કે તેમનો ભત્રીજો જયવીરસિંહ તેમના કહ્યામાં નથી જેથી તેના ભત્રીજાના વતી તેમણે માફી માંગી હતી. ત્યારબાદ નગરસેવક પોતાના ઘરે હતા ત્યારે જયવીરસિંહના ભાઈ મયુરસિંહનો કાઉન્સિલરને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે "બચીને રહેજે અમે પાંચ ભાઈઓ છીએ એકાદ મરી જશે તો અમને કાઈ ફરક નહીં પડે અને તારા છોકરા નાના છે" તેવી ધમકી આપી હતી.
પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવતા ઓફિસ પર થયો હુમલો: આ બનાવ બાબતે કાઉન્સિલરે પોતાના મોટા ભાઈ કપીલને તેમજ મિત્ર સર્કલમાં જાણ કરીને આ બનાવ બાબતે મિત્રો સાથે પોલીસ ફરિયાદ માટે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા ત્યારે ગત રાત્રીના 11 વાગ્યે તેમના મિત્ર કપીલના ફોન ઉપર અમીતનો ફોન આવ્યો હતો. અને જણાવ્યું હતું કે તેની ઓફીસ ઉપર અમુક લોકો આવીને તોડફોડ કરી છે અને ફાયરીંગ કરી છે. તેથી તેઓ પોતાના બનેવી અનિલભાઈ તેમજ ભાણેજ જયમીન સાથે પોતાની ઓફિસે ગયા હતા.
9 જેટલા લોકો તોડફોડ કરી: આરોપીઓએ કાઉન્સિલરની ઓફીસની બહાર પડેલું એક યામાહા કંપનીનું ફસીનો તેમજ એક એક્ટીવાને તોડફોડ કરી હતી. તેમજ ઓફીસની અંદર રહેલ 3 જેટલી ફોર વ્હીલ ગાડીઓમાં તોડફોડ કરીને નુક્સાન કર્યું હતું અને ઓફીસમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરા જોતા તે પણ તોડી નાખ્યા હતા. સીસીટીવીમાં જોતા 9 જેટલા આરોપીઓ જણાઈ આવ્યા છે.
ઘાતક હથિયારો વડે હુમલો: સીસીટીવી ફૂટેજમાં જોતા જોવા મળે છે કે જયવીરસિંહના હાથમાં લોખંડનું ધારિયું હતું, કિરણસિંહના હાથમાં તલવાર હતી, કુલદિપસિંહ બાલુભા જાડેજાના હાથમાં લાકડાનો ધોકો હતો અને દિગવિજયસિંહ મેરૂભા જાડેજાના હાથમાં પણ લાકડાનો ધોકો હતો તથા ગઢવીના હાથમાં લોખંડની પાઈપ જેવું દેખાય છે તથા બે અજાણ્યા ઈસમો પાસે પણ લોખંડના ધારિયું હોય તેવું દેખાય છે. તેમજ અન્ય બે ઈસમો પાસે લાકડાના ધોકા હતા તેવું જોવા મળ્યું હતું. સી.સી.ટી.વી.ના ફૂટેજ જોતા આ તમામ આરોપીઓ ઘાતક હથિયારોથી સજ્જ થઈને કાઉન્સિલરને મારવા માટે આવ્યા હતા. પરંતુ ઓફિસે પોતે હાજર ના હોતા બચી ગયા છે. આવા આરોપીઓથી કાઉન્સિલરને તથા તેના પરિવારને જાનનું જોખમ હોવાથી વાત ફરિયાદમાં નોંધવામાં આવી છે.
જૂની અદાવત હુમલાનું કારણ: હુમલાના કારણ અંગે વાતચીત કરતા ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે, આજથી બે વર્ષ પહેલા મયુરસિંહ તેમજ જયવીરસિંહ લાયન્સ નગરમાં ગેરકાયદેસર મકાનનો કબ્જો કરવા ગયા હતા. જેથી આ બાબતે કાઉન્સિલર તરીકે તે તેમને સમાજવવા ગયા હતા. જેથી જે વાતનું મન દુઃખ રાખી આ બે ભાઈઓએ ઝગડો કર્યો હતો. તેમજ હિરેન ગોરને પણા આ બે ભાઈઓએ માર્યો હતો. જેની ફરિયાદ પણ અગાઉ કરવામાં આવી હતી. જેથી આ વાતનું મન દુઃખ રાખીને જયવીરસિંહે જપા જપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બી.એન.એસ.ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો: ધર્મેશ ગોરે જયવીરસિંહ, કિરણસિંહ, કુલદિપસિંહ, દિગવિજયસિંહ, ગઢવી તથા અન્ય ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.ની કલમ 61(2), 189(2) 191(2), 191(3), 190, 329(4), 324(5), 115(2), 351(2), 296( બી) તથા જી.પી.એક્ટ કલમ 135 (1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીતેશ બારીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
વધુ વિગતો તપાસ બાદ સામે આવશે: સમગ્ર મામલે Etv Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન DySP રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એન. મોઢવાડીયા તપાસ કરી રહ્યા છે. ફાયરિંગ થયું છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે અને વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.