અમદાવાદઃ પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે અમદાવાદમાં ગત 18 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે ગુજરાતી સિંગર વિજય સુવાળા દ્વારા દિનેશભાઈ હરેશભાઈ દેસાઈને ફોન કરીને ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. દિનેશભાઈ સાથે ફોનમાં વાત કર્યાના થોડાક જ સમય બાદ વિજય સુવાળા પોતાની સાથે 15 થી 20 ફોર વ્હીલર તથા 10 જેટલી બાઇક્સ લઈને ફરિયાદીના પિતાની ઓફિસે પહોંચી આવ્યો હતો.
પછી શું થયું? ઓફિસે પહોંચતા 50 જેટલા માણસો વિજય સુવાળા સાથે આવ્યા હતા અને તેમના હાથમાં લોખંડની પાઇપો હતી. ઓઢવની આ જગ્યા પર પહોંચીને વિજય સુવાળા અને તેમના માણસો દ્વારા દિનેશ ક્યાં છે અને તેને જાનથી મારી નાખશું તેવી બૂમો પાડવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો? સમગ્ર મામલો કંઈક એવો છે કે ફરિયાદી દિનેશભાઈ દેસાઈ સાત વર્ષ પહેલા લોક ગાયક વિજય સુવાળાને એક પ્રસંગમાં મળ્યા હતા. જ્યાં તેમની મિત્રતા થઈ હતી. ત્યારબાદ 2020 માં કોઈ કારણસર બંને વચ્ચે મનદુઃખ ઊભું થયું હતું. ફરિયાદી દિનેશભાઈ હરીશભાઈ જેઠાભાઈ પોતે જમીન લે વેચ નો ધંધો કરે છે અને તેમની ઓફિસ વૈષ્ણોદેવી સર્કલ નજીક આવી છે. ત્યારે ફરિયાદીના પિતા હરીશભાઈ જેઠાભાઇ દેસાઈ એલ.આઇ.સી એજન્ટ છે અને તેમની ઓફિસ ઓઢવ ખાતે આવેલી છે.
અગાઉ સાતમા મહિનાની પહેલી તારીખે ફરિયાદીને કોઈક નંબર પરથી ફોન આવ્યો હતો અને તે ફોનમાં હું વિજય સુવાળા બોલું છું એવું કહીને ફોન કરીને ગાળો સંભળાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તે સમયે ફરિયાદી દ્વારા તે કોલને ગંભીરતાથી લેવામાં ન આવ્યો હતો અને ત્યારબાદ ઓગષ્ટ મહિનાની 18 તારીખે ફરીથી ફોન કરીને હું વિજય સુવાળા બોલું છું એવું કહીને ગાળો સંભળાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે તે કોલ બાદ ફરિયાદીના પાર્ટનરની ફરિયાદી પર કોલ આવતા તેમણે જણાવ્યું કે કોઈ જાય દેસાઈ કરીને કોલ આવ્યો હતો અને એવું કેહવામાં આવ્યું હતું કે, ફરિયાદીના ઘરે 15 થી 20 ફોર વ્હીલર્સ અને 10 બાઈકો લઈને વિજય સુવાળા તેને મારવા આવી રહ્યો છે.
ફરિયાદી ત્યારે ઘરની બહાર ના નીકળીને ત્યારબાદ તેમના પિતાની ઓફિસે રાત્રે 12:00 વાગ્યા પહોંચીને જય દેસાઈ સાથે વાત કરતા એવું જાણવા મળ્યું હતું કે ત્યાં 15 થી 20 કાર અને 10 બાઇક આવી હતી તેમના હાથમાં લોખંડની પાઇપો હતી અને દિનેશ ક્યાં છે તેને મારી નાખવાનો છે તેવી ધમકીઓ પણ આપતા હતા. ત્યારે બીજા બીજા દિવસે રક્ષાબંધનની સવારે પિતાજીની ઓફિસના સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને ત્યારબાદ દિનેશભાઈ દ્વારા વિજય સુવાળા પર ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે બંને ફરિયાદી અને વિજય સુવાળા ભાજપના કાર્યકર્તાઓ છે તે એક અલગ પહેલા જોવા મલે છે. હાલમાં સમગ્ર મામલો ઓઢવ પોલીસના તપાસ હેઠળ ચાલી રહ્યો છે.