બનાસકાંઠા: ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાનો સરહદી વિસ્તારના વાવ, થરાદ અને સુઈગામ તાલુકાના ગામડાઓમાં હાલનો ચાલુ વર્ષની સિઝનનો સરેરાશ 19.58 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં જીલ્લાનું ચોમાસાનું વાવેતર 2,22,874 હેટ્રેક્ટરમાં થયું છે. જિલ્લામાં મગફળી અને બાજરીનું વિશેષ વાવેતર થયું છે પણ નહીવંત વરસાદ નોંધાતા ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા છે.
ખેડૂતોની દિવસે ને દિવસે કાફોડી હાલત: છેલ્લા 15 દિવસથી જિલ્લાના કેટલાક વિસ્તારમાં ઝરમરિયા વરસાદ છૂટો છવાયો પડતા આજે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ઉપરાંત રણકાંઠાને અડીને આવેલો વિસ્તાર કોરો ધોકાર વરસાદ વગર પડી રહ્યો છે ત્યારે બીજી બાજુ રણ વિસ્તાર ગણાતા અને છેવાડાના ભારત-પાકિસ્તાન અને રાજસ્થાન સહરદને અડી આવેલા વાવ તાલુકામાં પુરતા પ્રમાણમાં ચોમાસાની સિઝનમાં વરસાદ ન વરસતા ખેડૂતોની દિવસે ને દિવસે કાફોડી હાલત જોવા મળી રહી છે.

પશુઓનો ભૂખમરાનો વારો આવ્યો: ઉનાળામાં 1 ટકો પણ વાવેતર થતું નથી અને ચોમાસામાં શરૂઆતી વરસાદ જ નથી પરિણામે બિયારણ, ખેડ, ખાતર માથે પડે એવી સ્થિતિ નિર્માણ થઇ છે. તો બીજી બાજુ નર્મદા કેનાલમાંથી આ વિસ્તારોના પાણી પણ આપવામાં આવતું નથી. જેથી આ વિસ્તારના ખેડૂતોને પ્રશ્ન સતાવી રહ્યો છે કે જો વરસાદ નહીં વર્ષે તો પછી આ વિસ્તારમાં ભયંકર ઘાસચારાની ઉણપની પરિસ્થિતિનું નિર્માણ થશે. પશુઓને ભૂખમરાથી કઈ રીતે બચાવવા તે એક મોટો પ્રશ્ન ખેડૂતોને મૂંઝવણમાં મૂકી રહ્યો છે.

નર્મદા કેનાલોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની માંગ: ઉપરાંત આવી ભયંકર મોંઘવારીમાં જો મેઘરાજા ખરેખર નથી વરસે તો ખેડૂતોની શું હાલત થશે એ ચિંતાનો વિષય છે. હાલ સત્વરે સરકાર દ્વારા આ વિસ્તારની ગંભીરતાથી નોંધ લે તે માટે નર્મદા કેનાલોમાં સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે. જો પાણી આપવામાં આવે તો જ પશુઓને ખવડાવવા માટેનો ઘાસચારો ઉગાડી શકાશે નહિતર ખેડૂતોને પશુઓ માટેનો ઘાસચારો ક્યાંથી લાવવો તે એક મોટો પ્રશ્ન છે.