રાજકોટ: ઉપલેટા તાલુકાના મજેઠી ગામના અંદાજિત 40 જેટલા ખેડૂતોની 1000 વીઘા જેટલી જમીનનો ખેતરનો જે રસ્તો આવેલ છે તે રસ્તા પણ હાલ ખુબ જ સાંકડો થઈ ચૂક્યો હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે આ ફરિયાદને લઈને અહીંના ખેડૂતોએ આ મામલાને લઈને એક વર્ષથી અનેક લેખિત ફરિયાદો કરી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કે દબાણ થયેલા રસ્તાની સમસ્યાને તંત્ર દ્વારા દૂર નહીં કરવામાં આવતા આ વિસ્તારના ખેડૂતો આંદોલનના મૂડમાં છે તેવું જણાવ્યું છે. હાલ આગામી દિવસોમાં તેઓની સમસ્યાઓનું નિરાકરણ નહિ આવે તો આ ખેડૂતો આગામી દિવસોમાં આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
મજેઠી ગામના ખેડૂતોએ જણાવ્યું છે કે, અમારી સીમની જમીનોમાં જવા આવવા માટે મેલી મજેઠી ગામેથી ડામર રસ્તાએથી ઉગમણી તરફે આગળ વધતા, કરમણ દાદાના પાટીયા પાસેથી દક્ષિણ તરફે વળાંકી સરકારી જમીનમાંથી દક્ષિણ તરફે આગળ જતો જાહેર કાચો રસ્તો જે 33 ફૂટ પહોળાઈનો રસ્તો અનાદી કાળથી આવેલ છે. આ રસ્તાએથી દક્ષિણ તરફે આગળ જતા કુંઢેચ- થાનીયાણા જાહેર રસ્તાએ પહોંચી રસ્તો આગળ વધે છે. આ રસ્તાથી અમે અમારા ખેતરોએ આવીએ જઈએ છીએ અને અમારા બળદ ગાડા, પશુઓ, ખેતી વાહનો, હારવેસ્ટર, માણસો મજુરો આવન-જાવન કરીએ છીએ.
અત્યારે માત્ર પાંચ કે આઠ ફૂટ જેટલો પહોળાઈનો રસ્તો રહ્યો: અમુક લોકોની જમીનો આ રસ્તાની કાઠે આવેલ છે. આથી લોકોએ પોતાની જમીનનું ક્ષેત્રફળ વધારવા માટે જાણી જોઈને આ રસ્તામાં દબાણ કરી લીધેલ છે. અને આ રસ્તાને પોતાની સીમ જમીનોમા ભેળવી દીધેલ છે. પરિણામે આ જાહેર રસ્તો 33 ફુટ પહોળાઈનો હતો તેના બદલે અત્યારે માત્ર પાંચ કે આઠ ફૂટ જેટલો પહોળાઈનો માંડ-માંડ રહ્યો છે અને તેમા પણ બંન્ને બાજુએ બાવળના વૃક્ષો હોવાને કારણે અમે ખેડુતો અમારી સીમ જમીનોએ જ,ઈ આવી શકતા નથી તેમજ અમારા બળદ ગાડા, પશુઓ, ખેતી વાહનો, હારવેસ્ટર, માણસો મજુરો આવન જાવન કરી શકતા નથી કે પસાર થઈ શકતા નથી.
એક વર્ષ પહેલાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી: આ સમસ્યાને લઈને ખેડૂતો પોતાની સીમ જમીનોમા જઈ શકતા નથી તેમજ ખેતીકામ કરી શકતા નથી. છેલ્લા એક વર્ષથી અનેક પ્રકારની સમસ્યાને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ પેશ કદમીઓ અને પ્રવૃતીને કારણે કાયમી તકલીફ ભોગવી પડી રહી છે. જેથી આ જાહેર રસ્તામાં થયેલ પેશકદમી તાત્કાલી વહેલામાં વહેલી તકે ખુલ્લી કરાવવા તથા પેશકદમી કરનારાઓ સામે દાખલા રૂપ કાર્યવાહી કરવા વિનંતી સાથે એક વર્ષ પહેલાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.
ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી: ખેડૂતોની આ પ્રકારની સમસ્યા અને તકલીફને લઈને જે તે તંત્રને લેખિત રજૂઆત કરી છે, પરંતુ આ મામલે તંત્ર દ્વારા આ સમસ્યા અને દબાણને દૂર કરવા માટે કોઈ નક્કર અને યોગ્ય કામગીરી કે કાર્યવાહી નહીં કરાતા આ ખેડૂતોનો 33 ફૂટનો રસ્તો હવે માત્ર પાંચ કે આઠ ફૂટ જેટલો જ વધ્યો છે. અહીંના ખેડૂતોની ખેત પેદાશોને ગામ સુધી કે ખેતરમાંથી બહાર લઈ જવા માટે ભારે તકલીફ પડી રહી છે. મોંઘા ભાડાઓ અને મોંઘી મજૂરીઓ ચૂકવ્યા છતાં પણ તેમનો માલ ભરવા માટે કોઈ માલ વાહન કે મજૂરો આવતા નથી. જેથી આ ખેડૂતોને હવે વાવણી કરવા માટે કોઈ વિકલ્પ બચ્યો નથી. આ બાબતમાં જો જવાબદાર તંત્ર અને સરકારી વિભાગ આ સમસ્યા અને દબાણને દૂર કરવાનું કામ આગામી દિવસોમાં નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી પણ ચીમકી લેખિતમાં અને મૌખિક ઉચ્ચારી છે.