બનાસકાંઠા: પાલનપુરમાં વર્ષોની ટ્રાફિક સમસ્યા નિવારવા સરકારે બાયપાસ તો મંજુર કર્યો પરંતુ હવે આ બાયપાસ રોડમાં જમીન સંપાદન મુદ્દે ગામેગામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખોડલા ગામ બાદ મોરિયા ગામના ખેડૂતોએ બાયપાસ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર આવેલા પાલનપુરના એરોમાં સર્કલ પર માથાના દુખાવા સમાન બનેલી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે વર્ષોની માંગ બાદ સરકારે બજેટમાં 380 કરોડ રૂપિયા ફાળવ્યા છે જે બાદ આ બાયપાસ રોડમાટે જમીન સંપાદની કામગીરી તંત્ર દ્વારા શરૂ તો કરાઈ પરંતુ ખેડૂતોની જમીન કપાતા હવે ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે.
મોરિયા ગામના ખેડૂતોએ બાયપાસ રોડ મુદ્દે વિરોધ: પાલનપુર તાલુકાના ખોડલા ગામના ખેડૂતો બાદ મોરિયા ગામના ખેડૂતોએ બાયપાસ રોડ મુદ્દે વિરોધ નોંધાવી સરકાર સામે બાયો ચડાવી છે. મહિલા ખેડૂતોએ પણ બાયપાસ હાય હાયના નારા લગાવી તંત્રને જગાડવા માટેના આજે પ્રયાસ કર્યા હતા. આ બાયપાસ રોડમાં પાલનપુર તાલુકાના અંદાજે 16 ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. જોકે ક્યાંક 70 તો ક્યાંક 100 અને મીટર જમીન સંપાદન કરાઈ જે વિસંગતતા સામે આવતા ખેડૂતો તંત્ર અને સરકાર સામે નારાજ થયા છે. તેમનું કહેવું છે કે, તંત્ર અને સરકાર દ્વારા ખેડૂતોના મોંઘાભાવની જમીન લઈને સામે યોગ્ય વળતર ચૂકવાયું નથી. જેથી ખેડુતોની મહામૂલી જમીન ધૂળના ભાવે સરકાર લઈ રહી હોવાના પણ આક્ષેપો કર્યા છે.
ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર મળે તેવી માંગ: ખેડૂતોએ કહ્યું કે, અમારા વિસ્તારમાં પાણી નથી 20 - 20 બોર કર્યા તે બાદ પણ પાણી નથી થયું. જોકે વર્ષો બાદ એક બોરમાં પાણી થયું એ પણ હવે બાયપાસ રોડમાં જમીન સંપાદનમાં જઈ રહ્યો છે. માટે માથે હાથ મૂકીને અમારે તો રોવાનો વારો આવ્યો છે. જોકે સરકારના વિકાસના આડા અમે આવતા નથી કે અમે બાયપાસ રોડનો વિરોધ પણ કરતા નથી. પરંતુ અમારી પાસે એક તો જમીન ઓછી છે. એમાં પણ 100 મીટર જમીન સરકાર બાયપાસ રોડ માટે લઈ રહી છે. જે અમને જમીન વિહોણા કરી નાખશે અમારી માંગ છે કે, આ મહામૂલી અમારી જમીનનું યોગ્ય વળતર અમને મળે અને માત્ર 30 મીટર જ જમીન સરકાર સંપાદન કરી રોડ બનાવે જેથી અમે જમીન વિહોણા ન બનીએ.
ઉગ્ર આંદોલન થવાના એંધાણ:ખેડૂતોનું માનીએ તો ખેડૂતો આગામી દિવસોમાં આ મુદ્દે મોટું આંદોલન કરવાના મૂડમાં જણાઈ રહ્યા છે. આ માટે તેઓ કિસાન નેતા રાકેશ ટિકેતને પણ દિલ્હી ખાતે મળવા પહોંચ્યા હતા અને આ તમામ પ્રશ્નો મુદ્દે ચર્ચા વિચારણા પણ કરાઈ હતી. રાકેશ ટિકેતએ પણ ગુજરાત આવી ખેડૂતોના હકમાં આંદોલન કરવાની વાત કરી દીધી છે ત્યારે જો આ મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચે સમજૂતી નહીં થાય તો બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના ઉગ્ર આંદોલન થવાના એંધાણ ચોક્કસ છે.
રાત દિવસ ટ્રાફિકજામની સ્થિતિ: પાલનપુર એરોમા સર્કલ પર વર્ષો જૂની ટ્રાફિક સમસ્યામાં નેશનલ હાઇવે સતત વાહનોના ઘસારા વચ્ચે રાત દિવસ કલાકો સુધી ટ્રાફિકજામ થઈ જાય છે જેના કારણે વાહનો કલાકો સુધી અટવાય છે જેથી રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ સહિત ગુજરાત ભરના વાહનો વાહનો નિર્ધારિત સમય પર પહોંચી શકતા નથી જેથી માલિકો અને વ્યાપારીઓને પણ નુકસાન કરવું પડે છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ કલાકો સુધી આ ટ્રાફિક જામમાં ફસાય છે. એટલું જ નહિ હોસ્પિટલમાં ઈમરજન્સી દર્દીને સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સો પણ આ ટ્રાફિકજામમાં ફસાય છે.
સરકારે સમસ્યા નિવારવા બાયપાસ મંજુર કર્યો: વર્ષોની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે નગરજનો અને જિલ્લા વાસીઓની અનેક વાર માંગો બાદ આખરે સરકારે એરોમા સર્કલ ખાતે ઓવરબ્રિજ બનાવવા માટેનો પ્લાન કર્યો પરંતુ વાહનો ડાયવર્ટ ક્યાં કરવા તે મોટું સવાલ હતો જેથી ઓવરબ્રિજ બનાવવાનો પ્લાન સરકારે રદ કરી નાખ્યો. જે બાદ સરકારે રૂપિયા 380 કરોડની બજેટમાં ફાળવણી કરી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે.
બાયપાસ રોડનો ફાયદો: જો આ બાયપાસ રોડ બનીને તૈયાર થાય છે તો અમદાવાદ રાજસ્થાન પંજાબ હરિયાણા સહિતના રાજ્યોના તમામ મોટા વાહનો આ બાયપાસ રોડ પર ડાયવર્ટ થઈ જશે જેના કારણે પાલનપુર એરોમાં સર્કલ ખાતે વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો અંત આવી જશે અને શહેરીજનું નગરજનોને પડતી મુશ્કેલીઓ પણ હલ થશે.