પાલનપુર: પાલનપુરના ફરતે જે બાયપાસ રોડ નીકળવાનો છે. તે રોડનો હવે ખેડૂતો ગામે ગામ વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોની એક જ માંગ છે કે 30 મીટર જ રોડ માટે જમીન સંપાદન કરવામાં આવે. જો તેનાથી વધુ જમીન સંપાદન કરાશે. તો ખેડૂતો જમીન વિહોણા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. જેથી ખેડૂતો જમીન વિહોણા ના બને અને પોતાનો પશુપાલનનો વ્યવસાય અને ખેતી કરી શકે તે માટે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે.
ઢોલ વગાડીને આંદોલન કરાયું: જો સરકાર તેમની માંગો નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં તેઓ તંત્ર અને સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. પાલનપુર તાલુકાના ખોડલા, મોરિયા બાદ હવે એગોલા ગામના ખેડૂતો પણ બાયપાસ રોડના વિરોધમાં જોડાયા છે. આજે ખેડૂતોએ એકત્ર થઈ ઢોલ વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને જો આગામી દિવસોમાં ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહિ આવે તો ગાંધીનગર સુધી ઢોલ વગાડીને આંદોલન કરશે. તેવી ચીપકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે.
ખેડૂતોનું બાયપાસ રોડના વિરોધમાં: જોકે આ અગાઉ મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચીને બાયપાસ રોડમાં વિસંગતતાઓ અને ઓછી જમીન સંપાદન કરવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ તંત્ર દ્વારા કે સરકાર દ્વારા આ અંગે કોઈએ નિર્ણય કરાયો નથી. બીજી તરફ ખેડૂતો બાયપાસ રોડના વિરોધમાં દિવસેને દિવસે વધુ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. જેથી આગામી દિવસોમાં ખેડૂતોનું બાયપાસ રોડના વિરોધમાં મોટું આંદોલન થાય તેવા એંધાણ છે.
પાલનપુર શહેરના એરોમા સર્કલ ખાતે ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યા દૂર કરવા સરકારે બાયપાસ તો મંજૂર કર્યો પરંતુ હવે ગામે ગામ ખેડૂતોના વિરોધથી ફરી સરકાર અને તંત્રની મુશ્કેલીઓ વધી છે.