ભાવનગરઃ ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં પાંચથી દસ હજાર ડુંગળીની ગુણીની આવક શરૂ થઈ ગઈ છે, ત્યારે ડુંગળીના ભાવને લઈને ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. જો કે ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા ચોમાસામાં થયેલા નુકસાનની સહાયના પગલે પ્રહાર સાથે માંગ કરી છે.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે, ત્યારે ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા ચોમાસામાં થયેલા નુકસાનને લઈને સરકાર સામે પ્રહાર કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ ડિસ્ટ્રીક કો ઓપરેટીવ બેંક દ્વારા ખેડૂતોને વગર વ્યાજે આપવામાં આવેલી લોનને લઈને પણ સરકાર સામે પ્રહાર કરાયા છે. જો કે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખે ડુંગળીને લઈને પણ નિકાસબંધી મામલે કટાક્ષ કર્યો છે.
ચોમાસામાં નુકશાન પણ નેતાઓ ચૂપ કેમઃ ભાવનગર જિલ્લાના ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિસ્ટ્રીક કો ઓપરેટીવ બેંકના જયેશભાઈ રાદડિયાએ રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોના ચોમાસામાં થયેલા નુકસાનને પગલે વગર વ્યાજે એક વર્ષ માટે લોન આપવાની જાહેરાત કરી દીધી છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પણ નુકસાન હોવા છતાં સ્થાનિક નેતાઓ દ્વારા આવેલા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી નથી. ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે મૌખિક વાત કરી છે કે ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા અને મહુવાનો સમાવેશ થયો છે. પરંતુ તે માત્ર વાત છે, ત્યારે અમારી માંગ છે કે સરકારની બીજી ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંકો અને સરકારના કૃષિ વિભાગ કેમ સહાય જાહેર કરતું નથી.
જીતુ વાઘણી પર પ્રહાર અને ભાવ આપવા માંગઃ ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, જીતુભાઈ વાઘાણીએ કોઈને ઘાણી નથી કરી એવું નથી પરંતુ સમગ્ર જિલ્લાને ધૂળધાણી કરી નાખેલું છે. સરકાર ખેડૂતોને મગફળીમાં 1300 રૂપિયા ખરીદી કરીને 700 જેવો ખર્ચ આપી રહી છે, ત્યારે સંપૂર્ણ 2000 થી 2100 ખેડૂતોને આપવામાં શું વાંધો છે, તેવી જ રીતે કપાસમાં પણ 1400 રૂપિયા ખરીદી કરી રહી છે અને ખર્ચ 800 રૂપિયા આપી રહી છે. તો એ સંપૂર્ણ પૈસા ખેડૂતોને આપવામાં આવે તો ખેડૂતોને બે પૈસા મળી શકે. પરંતુ સરકારને ખેડૂતોનું ભલું થાય તેમાં રસ નથી, તેવા પ્રહાર કર્યા હતા.
...ડુંગળીની નિકાસબંધી ન કરતાઃ ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે ડુંગળીની હાલ ભાવનગર જિલ્લાના મહુવાના માર્કેટિંગ યાર્ડમાં આવક શરૂ થઈ છે અને ભાવ 500 થી લઈને 1000 રૂપિયા સુધી મળી રહ્યા છે. જો કે વીઘે 50 થી 60 મણ ડુંગળી ઉતરતી હોય ત્યારે 500 રૂપિયા પણ કિંમત પોસાય તેમ નથી, તેવામાં આગામી એક મહિના બાદ સરકાર નિકાસ બંધી કરશે. આથી આ નિકાસબંધી ના થાય તેવી અમારી માંગ છે, જેથી કરી ખેડૂતો થોડી ઘણી કમાણી કરી શકે. ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા મહુવાના મામલતદાર, ડેપ્યુટી કલેકટર અને મહુવા તેમજ ભાદ્રોડની ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકને, ધારાસભ્ય શિવભાઈ ગોહિલને આવેદનપત્ર પાઠવ્યું છે અને માંગ કરી છે.