ભૂજ: કચ્છના સાતેક ગામોમાં ખેડૂતોને નકલી બિયારણ પકડાવી દેવાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અંજાર તાલુકાના દુધઈ, કોટડા, નવાગામ, હિરાપર, સુખપર, ભુજપર આજુબાજુના ગામોમા ધનલક્ષ્મી બીટી કપાસના ડુપ્લીકેટ બીયારણના કારણે ખેડૂતોને નુકસાની પહોંચી છે. પહેલી વખતનાં લોટમાં બિયારણ બરોબર આવ્યું હતું, પરંતુ બીજી વખતનાં લોટમાં બિયારણ નકલી હોવાનો આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે. જ્યારે ખેતીવાડી અધિકારી દ્વારા બિયારણના સેમ્પલ લઈને લેબ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.
નકલી બિયારણના કારણે પાક નિષ્ફળ હોવાના ખેડૂતોના આક્ષેપો
અંજાર તાલુકાના દુધઈ પંથકના ગામડાઓમાં કપાસના નબળી ગુણવતાના બિયારણના કારણે કપાસના પાકમાં નુકસાન જતા ખેડૂતો ઉપર આભ ફાટી પડયા જેવી સ્થિતિ ઊભી થઈ છે. કપાસના બિયારણ માટે ધનલક્ષ્મી બિયારણ ખેડૂતોમાં જાણીતુ નામ છે અને છેલ્લા અનેક વર્ષોથી ખેડૂતો પાકના સારા વાવેતર માટે ધનલક્ષ્મી બીયારણ જ ખરીદતા હોય છે. આ વર્ષે શરૂઆતના પ્રથમ તબક્કામાં બીયારણનો માલ સારૂં આવ્યું હતું. ત્યાર બાદ આ બીયારણની માંગ વધતા પાછળના બીજા સ્લોટનું બિયારણ નબળી ગુણવતાવાળુ આવ્યું હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.
એકર દીઠ 1 લાખ જેટલું નુકસાન: નબળી ગુણવત્તાના બિયારણના કારણે ખેડૂતોને મોટે પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અંજાર પંથકના દુધઈ, કોટડા, ભુજપર, સુખપર, ચાંદરાણી, હીરાપર, નવાગામ, બુઢારમોરા સહિતના ગામના ખેડૂતોને નકલી બિયારણના કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નબળી ગુણવત્તાના બિયારણના કારણે ખેડુતોને એકર દીઠ 1 લાખ જેટલું નુકસાન થયું છે અને અંદાજિત 20 કરોડ જેટલું નુકસાન થયું હોવાનું ખેડૂત અગ્રણી કાનજીભાઈ ડાંગરે જણાવ્યું હતું.
![ખેતીવાડી અધિકારીએ સેમ્પલ પરીક્ષણમાં મોકલ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-10-2024/gj-kutch-06-nakli-biyaran-aakshep-video-story-7209751_10102024171829_1010f_1728560909_654.jpg)
બીયારણની એક થેલીની કીમત રૂ. 840: કપાસના પાકમાં છોડની વૃધ્ધી થઈ જ ન હોવાનું ખેડુતોએ જણાવ્યું હતું. અંજાર પંથકમાં કોઈ ખેડુતોએ 20 એકરમાં તો કોઈએ તેનાથી પણ વધારે એકરમાં કપાસનો પાક લીધો હતો. હવે આ બીયારણની એક થેલીની કીમત રૂ. 840 છે એક એકરે બે થેલીનો વપરાશ થાય પણ બીજા સ્લોટમાં જે ખેડૂતોને પેકેટ મળ્યા તેના કારણે એક એકરે મોટું નુકસાન થયું છે. તો અંદાજિત 3200 જેટલા બિયારણ પેકેટની ખરીદી કરવામાં આવી હોવાની વાત કરી હતી.
![કચ્છના ખેડૂતોનો આરોપ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-10-2024/gj-kutch-06-nakli-biyaran-aakshep-video-story-7209751_10102024171829_1010f_1728560909_585.jpg)
ખેડૂતોને પુરેપુરું વળતર મળે તેવી ખેડૂતોની માંગણી: નકલી બિયારણના કારણે ખેડુતો લડી લેવાના મુડમાં છે. આ મામલે અંજાર ખેતી અધિકારીએ પણ સ્થળની મુલાકાત લીધી હતી અને બિયારણના કેટલાક સેમ્પલ મેળવીને તપાસ અર્થે લેબમાં મૂક્યા છે. ખેડૂતોને પુરેપુરું વળતર મળે તેવી ખેડૂતોની માંગણી છે માત્ર બિયારણના પૈસા નહીં પરંતુ પાક પાછળ માવજત કરવા થતો ખર્ચ, મુજરોનો ખર્ચ, ખાતર, ખેડ, પાણી છંટકાવ,પાક વાવણીનો તેમજ ઉત્પાદનનો ખર્ચ વળતર તરીકે આપવા માંગણી કરવામાં આવી છે.
![કચ્છના ગામડાઓમાં નકલી બિયારણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-10-2024/gj-kutch-06-nakli-biyaran-aakshep-video-story-7209751_10102024171829_1010f_1728560909_783.jpg)
ધનલક્ષ્મી બિયારણ કંપનીના મેનેજર પંડ્યાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આ અંગે તેમના ડીલર અને વેપારી સાથે વાત કરીને માહિતી મેળવી લેવી.
ખેડૂતોએ પાકના નુકસાનના પુરા વળતરની માંગ કરી: ખેડૂતોએ જે દુકાનેથી માલ ખરીદ્યો હતો તે દુકાનના વેપારી આનંદ આહિરે જણાવ્યું હતું કે, "કંપની બિયારણની થેલીના પૈસા આપવા તૈયાર છે પરંતુ અમુક ખેડુતોએ પાકના નુકસાનના પુરા વળતરની માંગ કરી છે.ઉપરાંત ખેતી અધિકારીએ બિયારણના કેટલાક સેમ્પલ પણ એકત્ર કરીને પરીક્ષણ માટે મોકલી આપ્યા છે જેના રિપોર્ટ 15 દિવસ આવ્યા બાદ બિયારણ અસલી હતું કે નકલી તે સ્પષ્ટ થશે."
કંપની જણાવે છે કે બિયારણ સર્ટિફાઇડ છે: અંજાર પંથકમાં ધનલક્ષ્મી બિયારણના ડીલરશીપ ધરાવતા હરિભાઈ આહિરે જણાવ્યું હતું કે, "અમારું કામ કંપની પાસેથી બિલ પર માલ ખરીદીને ખેડૂતોને બિલ પર માલ વેંચવાનો છે.જ્યારે ખેડૂતોએ નકલી બિયારણ હોવાના આક્ષેપો સાથે વેપારી પાસે વાત કરી અને ત્યાર બાદ ડીલર તરીકે પોતાની સાથે વાત થઈ ત્યારે ખેડૂતોને જણાવવામાં આવ્યું કે આ બિયારણ ઉપરથી કંપનીમાંથી આવે છે માટે કંપનીના અધિકારીને વાત કરવામાં આવી હતી અને કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમનું બિયારણ સર્ટિફાઇડ છે.લેબ માટે સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે જો સેમ્પલ રિપોર્ટમાં જણાવવામાં આવશે કે નકલી બિયારણ છે ત્યારે વળતર અંગેની વાત પણ ખેડૂતો માટે કરવામાં આવશે."
15 દિવસ બાદ આવશે રિપોર્ટ : અંજાર ખેતીવાડી અધિકારી ચંદુભાઈ માલી સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, "હાલમાં બિયારણના સેમ્પલ લઈને લેબ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે જેનો રિપોર્ટ 15 દિવસ બાદ આવશે.પ્રાથમિક દ્રષ્ટિએ બિયારણ તો અન્ય બિયારણ જેવા જ લાગ્યા છે પરંતુ પરીક્ષણ કર્યા બાદ જાણવા મળશે કે આ બિયારણના દાણા થકી છોડવાની કેમ વૃદ્ધિ થતી નથી.જો અન્ય કંઈ પણ જાણવા મળશે તો વૈજ્ઞાનિકોની ટીમ સાથે પણ તપાસ કરવામાં આવશે."