પાટણ: રાસાયણિક ખેતી દ્વારા જમીનની ફળદ્રુપતા ધીરે-ધીરે ઘટી રહી છે. પરિણામે આપણા અને જમીનની ફળદ્રુપતા પર આની ગંભીર અસર થઈ રહી છે. જમીનની ફળદ્રુપતાને ધ્યાનમાં રાખતા આપણા સૌના હિતમાં રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી અપનાવવાની ઝુંબેશ ચલાવી રહી છે. આ ઝુંબેશમાં તમામ જિલ્લાઓ સહભાગી થઈ રહ્યા છે. પાટણ જિલ્લાના અનેક ખેડૂતો હાલમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈને લાખોની આવક મેળવી રહ્યા છે.
રાધનપુરના ખેડૂતે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરી: વાત કરીએ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામના વતની જેસંગ ચૌધરીની. આ પ્રગતિશીલ ખેડૂત સાથે વાત કરતા જાણવા મળ્યું કે, તેઓ પણ પહેલા અન્ય ખેડૂતોની માફક રાસાયણિક ખેતી કરતા હતા. પરંતુ જેમ જેમ તેઓને પ્રાકૃતિક કૃષિની મહત્તા વિશે જાણવા મળ્યું ત્યારથી તેઓએ પ્રાકૃતિક કૃષિ કરવાનું શરૂ કર્યું હતું . જેસંગ ચૌધરી જણાવે છે કે, તેઓએ બાગાયત ઓફિસ પાટણની પ્રેરણાથી વર્ષ 2015માં ખારેકનું અને વર્ષ 2017માં લીબુંનું વાવેતર કર્યું હતુ. અમે દેશી ગાય રાખતા હોવાથી સરકારના પ્રાકૃત્તિક ખેતીના અભિગમથી આ ખેતી કરવાની મને પ્રેરણા મળી હતી.
ખેતરમાં અળસિયાની ભૂમિકા મહત્વની: તેમણે જણાવ્યું કે, હું આ 1 હેકટરમાં જીવામૃત્ત, ઘનજીવા મૃત્ત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક વગેરેનો ઉપયોગ કરી હાલમાં ખેતી કરી રહ્યો છું. મારા ખેતરમાં અળસિયાની ભૂમિકા પણ મહત્વની છે. કારણ કે, વર્તમાન સમયમાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનાં અતિરેક ઉપયોગથી જમીન અને પાકને સૂક્ષ્મ રીતે નુકશાન થઇ રહ્યું છે. જ્યારે અળસિયાનો ઉપયોગ જમીનનું પ્રાકૃતિક બંધારણ અને ફળદ્રુપતા સુધારે છે અને મોંઘા તેમજ હાનિકારક રસાયણોનો ખર્ચ ઘટે છે. ખેડૂત પોતાના પાકનો અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરોમાં હોલસેલમાં વેપાર કરે છે.
1 હેક્ટરમાં ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે: ઓર્ગેનિઝ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જીવા અમૃત બનાવીને દિવસમાં ચાર વાર છંટકાવ કરવામાં આવે છે. જેસંગ ચૌધરી પોતે કુલ 2 હેક્ટરની જમીન ધરાવે છે. જેમાંથી 1 હેક્ટરમાં તેઓ ખારેક અને લીંબુની પ્રાકૃતિક ખેતી કરે છે. ખેડૂત જણાવે છે કે, મને યોગ્ય માર્ગદર્શન અને આધુનિક ખેતી માટેનો દ્રષ્ટિકોણ મળી રહ્યો છે તેથી ચોક્કસપણે મારી આર્થિક કમાણીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેસંગ ચૌધરીને વર્ષ 2023માં તાલુકાનો આત્મા એવોર્ડ મળ્યો હતો તેમજ બાગાયત ખાતા દ્વારા ખારેકની RKVY અને લીંબુની રાજય પ્લાન સહાય મળી હતી.
ખારેક અને લીંબુની ખેતી કરવાથી આવક થઇ: ખેડૂત પોતે વર્ષ 2023-2024 માં રૂ.1.05 લાખના ખર્ચે ખારેકના કુલ 125 છોડ વાવ્યા હતા. જેમાં તેઓને રૂ.5 લાખની આવક થઈ હતી. લીંબુના રૂ.30 હજારના ખર્ચે કુલ 100 છોડ વાવ્યા હતા. જેમાં તેઓને રૂ.1.50 લાખની આવક થઈ હતી. વર્ષ 2022-23 માં રૂ.1.05 લાખના ખર્ચે તૈયાર થયેલ ખારેકના કુલ 125 છોડમાં તેઓને રૂ.5.40 લાખની આવક થઈ હતી. તો આ તરફ રૂ. 50 હજારના ખર્ચે તૈયાર થયેલ લીંબુનાં કુલ 100 છોડમાં તેઓને રૂ.2.00 લાખની આવક થઈ હતી.
પાટણના ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણા રુપ: જેસંગ ચૌધરીના લીંબુ 100 ટકા ઓર્ગેનિક છે તે બાબતનું તેઓને દાંતીવાડા એગ્રીકલ્ચર યૂનિવર્સિટીના બાયોસાયન્સ રિસર્ચ સેન્ટર તરફથી સર્ટીફિકેટ પણ મળેલું છે. તેઓ આગામી સમયની ખેતીની વાત કરતા જણાવે છે કે, વર્ષ 2023માં મે 3,000 અરડુશા અને 500 સાગ વાવ્યા હતા. આ વર્ષે પણ અરડુશા અને સાગ વાવવાનો છું. આમ જેસંગ ચૌધરી પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થયા છે.