જૂનાગઢ: ડુંગળીની નિકાસબંધીનું સસ્પેન્સ ક્યારે ખુલશે તે આજના દિવસે કોઈ કહી શકે તેમ નથી. કોમોડિટી તરીકે વિશ્વના મોટા ભાગના દેશોમાં ડુંગળીનો વપરાશ થવાની સાથે તેની આયાત અને નિકાસ પણ થતી હોય છે. કોઈ પણ દેશના અર્થતંત્ર માટે ખાદ્ય ચીજો અને ખાસ કરીને કોમોડિટીની આયાત અને નિકાસ તેની આર્થિક વ્યવસ્થા સાથે પણ જોડાયેલી હોય છે. ત્યારે પાછલા બે દિવસથી ડુંગળી પર લાદવામાં આવેલી નિકાસબંધી કેન્દ્રની સરકારે દૂર કરી છે તેવા રહસ્ય સાથેનું સસ્પેન્સ આજે વધુ એક વખત આગળ વધ્યું છે. ડુંગળીની નિકાસબંધી દૂર કરવામાં આવી છે કે કેમ તેને લઈને પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલીયાએ સવાલો કરવાની સાથે કેન્દ્રની સરકારની સાથે ભાજપને આડે હાથ લીધી છે.
પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલીયાએ કેન્દ્રની સરકાર અને ભાજપ પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા ડુંગળીની નિકાસ બંધીને લઈને જે રહસ્યપૂર્ણ માહોલ જોવા મળે છે તેમાં કેન્દ્રની સરકાર જાહેરનામું બહાર પાડીને સસ્પેન્સ પરથી પડદો ઉચકવો જોઈએ પાલ આંબલીયાએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સરકાર ભ્રામક જાહેરાતો કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. ડુંગળીની નિકાસબંધી દૂર કરવામાં આવી છે કે કેમ તેને લઈને કેન્દ્રની સરકારે તાકિદે સ્પષ્ટતા પણ કરવી જોઈએ.
માધ્યમોને અપાઈ ખોટી વિગતો ? પાલ આંબલીયા કેન્દ્રની સરકારને આડે હાથ લેતા વધુમાં જણાવે છે કે જે રીતે પાછલા બે દિવસથી ડુંગળીની નિકાસબંધીને લઈને સમાચારો આવી રહ્યા છે. તેને લઈને પણ સરકારે ખુલાસો કરવો જોઈએ કોઈ પણ દેશની વિદેશ નીતિ સાથે સંકળાયેલી નિકાસબંધીને લઈને માધ્યમોને પણ ખોટી માહિતી કોણે આપી તેનો પણ ખુલાસો થવો જોઈએ. જે લોકોએ ડુંગળીની નિકાસબંધી દૂર કરી છે તેવો ભ્રામક પ્રચાર કરીને ખેડૂતોને ગુમરાહ કર્યા છે તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. કેન્દ્રની સરકાર તેની નૈતિક જવાબદારી સમજીને ડુંગળીની નિકાસબંધીની વ્યાપક અને ભ્રામક અહેવાલોને લઈને દેશના ખેડૂતોની માફી માંગવી જોઈએ તેવી પણ માંગ કરી છે.