ખેડાઃ સમગ્ર રાજ્યના ચકચારી એવા નકલી સીરપકાંડમાં ખેડા પોલીસે 8 આરોપીઓ વિરુદ્ધ 1800 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને ખેડા પોલીસે SITની રચના કરી હતી. SIT દ્વારા ગણતરીના દિવસોમાં પુરાવાઓ એકત્ર કરીને આરોપીઓ વિરુદ્ધ 1800 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. આ ચાર્જશીટને ખેડા પોલીસે કોર્ટમાં રજૂ કરી છે.
8 આરોપી ઝડપાયાઃ નકલી સીરપકાંડ મામલે ખેડા પોલીસે કુલ 8 આરોપીને ઝડપી લીધા છે. જેમાં યોગેશ સીંધી, નારાયણ સોઢા, ઈશ્વર સોઢા, નીતિન કોટવાણી, ભાવેશ સેવકાણી, તૌફીક હાસીમ મુકાદમ, રાજદીપ સિંહ વાળા અને ગોપીચંદ સીંધીનો સમાવેશ થાય છે. આ કેસનો મુખ્ય આરોપી યોગેશ સીંધી પોતાની ફેક્ટરીમાં KALMEGHASAVAASAVA ARISHTA નામક નકલી સીરપ તૈયાર કરતો હતો. આ સીરપ મિથાઈલ/ઈથાઈલ આલ્કોહોલ યુક્ત હતી. જેનું આયુર્વેદિક ઔષધી તરીકે વેચાણ કરવામાં આવતું હતું. નડીયાદના બિલોદરા ગામે કેટલાક લોકોએ ગામની કરિયાણાની દુકાને વેચાતી આ નકલી આયુર્વેદિક સીરપનું સેવન કર્યુ હતું. જેને લઈ તેમને માથામાં દુખાવો, મોમાંથી ફીણ આવવું સહિતની તકલીફો થઈ હતી. જે બાદ એક પછી એક 7 વ્યક્તિના મોત નિપજ્યા હતા. તેમજ બે વ્યક્તિને ગંભીર હાનિ પહોંચી હતી.
સમગ્ર બનાવની તપાસ કરવા માટે SITની રચના કરવામાં આવી હતી. SITના તમામ અધિકારીઓએ તપાસનો એક પણ મુદ્દો બાકી ન રહી જાય તેમ ગહન તપાસ કરી છે. FSLતપાસ પણ કરેલ છે. તમામ પ્રકારના પુરાવાઓ મેળવીને એક્સપર્ટ ઓપિનીયન લીધેલ છે. તપાસના અંતે કુલ 8 આરોપીઓ વિરૂદ્ધ નામદાર કોર્ટમાં 1800 પાનાંની ચાર્જશીટ રજૂ કરાઈ છે...રાજેશ ગઢીયા (એસપી, ખેડા)