રાજકોટ: રાજકોટના પીપળીયાયામાં નુતનનગરમાં આવેલી ગૌરી પ્રિ પ્રાઇમરી સ્કૂલ નામની બોગસ સ્કૂલ ઝડપી પાડ્યા બાદ હવે શિક્ષણ વિભાગ મુંઝવણમાં મુકાયું છે. અને પોલીસ ફરિયાદ દાખલ કરયા બાદ તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસમાં સ્કૂલમાં ધોરણ 1 થી 10 ના 42 વિદ્યાર્થીઓ ભણતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બે સગીરા મળી આવી છે. કે જેઓ 16 અને 17 વર્ષની હોવા છતાં વિદ્યાર્થીઓને શાળામાં ભણાવતી હતી. આ બોગસ શાળામાંથી રાજકોટ શહેરની ત્રણ ખાનગી શાળાના લિવિંગ સર્ટિફિકેટ અને માર્કશીટ મળી આવી હતી. જોકે હાલ તો શિક્ષણ વિભાગનો પ્રથમ પ્રયાસ એ છે કે આ શાળાના વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશોત્સવ કરી નામાંકન કરાવવામાં આવે.
નકલી માર્કશીટ મળી આવી: રાજકોટના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવી જણાવ્યું હતું કે, પીપળીયા ગામે ગૌરી પ્રિ પ્રાઇમરી સ્કૂલ શિક્ષણ વિભાગની કોઈપણ જાતની માન્યતા વિના બોગસ રીતે ચાલતી હોવાનુ પકડી પાડ્યું હતું. જેમાં અત્યાર સુધીની તપાસમાં સ્કૂલમાં ભણતા હોય તેવા 42 બાળકો મળ્યા છે. જેમાંથી 25 વિદ્યાર્થીઓ ટ્રેક કરી લેવામાં આવ્યા છે. આ સિવાયના 12 બાળકો એવા છે કે જેમને શોધવા માટે પ્રયાસો ચાલુ છે જેઓ એલકેજીથી ધોરણ બેમાં અભ્યાસ કરે છે. જ્યારે હાઈ સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓના એક પણ શાળામાં નામ બોલતા નથી. આ સ્કૂલમાંથી રાજકોટ શહેરની અક્ષર સ્કૂલના 6 પરિણામ, નક્ષત્ર સ્કૂલના 7 લિવિંગ સર્ટિફિકેટ અને રામકૃષ્ણ સ્કૂલના 2 પરીણામ મળી આવ્યા છે.
ગૌરી પ્રિ પ્રાઇમરી સ્કૂલમાંથી ગૌરી ઇંગ્લીશ મીડીયમ સ્કુલના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. જેમાં ધોરણ 10 સુધી અભ્યાસ કરતા 20 વિદ્યાર્થીઓની ફીની પહોંચ મળી આવી છે. કાત્યાયનીબેન અને સંદિપ તિવારી સંચાલીત આ શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 400, રૂ. 500 અને રૂ. 800 એમ અલગ અલગ ફી ઉઘરાવવામાં આવતી હતી.