નવસારી: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નવસારી LCB પોલીસે એક નકલી ઘી બનાવતી કંપનીને ઝડપી પાડી છે. LCB ટીમને બાતમી મળી હતી કે, નવસારીના બારડોલી રોડ પર ઓંણચી ગામની સીમમાં સ્થિત શિવ ફૂડ પ્રોડક્ટ ફેક્ટરીમાં ગાયનું નકલી ઘી બનાવવામાં આવે છે. જેને આધારે પોલીસની ટીમે શિવ ફૂડ પ્રોડક્ટ ફેક્ટરીમાં છાપો માર્યો હતો. જ્યાં પોલીસને નકલી ઘી બનાવવા માટેના આધુનિક સાધનો સાથે જ પામોલીન તેલ સહિતનું રો મટીરીયલ મળી આવ્યું હતુ. જ્યારે અલગ અલગ ડબ્બાઓમાં સુખવંત બ્રાન્ડ નામથી ભરેલ 3133.98 કિલો નકલી ઘીના પેકેટ્સ પણ મળી આવ્યા હતા.
25.12 લાખનો મુદ્દામાલ જપ્ત: પોલીસે ઘટના સ્થળે નવસારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને બોલાવીને રો મટીરીયલ અને નકલી ઘીના સેમ્પલ લીધા હતા, જેને ગાંધીનગર સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસ આગળની કાર્યવાહી કરશે. જ્યારે પોલીસે ફેક્ટરી સંચાલકો વિકી ચોખાવાલા અને લવ ચોખાવાલાને ફેક્ટરીના જરૂરી દસ્તાવેજો સાથે ઘી સંબંધે ખુલાસો માંગતી નોટીસ પાઠવી છે. પોલીસે ઘટના સ્થળેથી 14.94 લાખ રૂપિયાના નકલી ઘી તેમજ રો મટીરીયલ અને અન્ય સાધનો મળી કુલ 25.12 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે.
સીઝ કરેલા ઘીનો નાશ કરાશે: ઉલ્લેખનીય છે કે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રિપોર્ટમાં ઘી નકલી હોવાનું સાબિત થાય તો, ચોખાવાલા બ્રધર્સ સામે પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સીઝ કરેલા ઘીના જથ્થાનો નાશ કરાશે. જોકે હાલ પોલીસે બંને ભાઈઓ સામે જાણવા જોગ ફરિયાદ નોંધીને તપાસને વેગ આપ્યો છે. બારડોલી રોડ પરથી શિવ ફૂડ પ્રોડક્ટમાં નીકલી ઘી બનાવાતું હતું. સંચાલકો દ્વારા પામોલીન તેલને ગરમ કરી, એમાં હલકી ગુણવત્તાનું ક્રીમ ભેળવીને ગાયનું નકલી ઘી બનાવાતું હતું અને તેને અલગ અલગ વજનના પાઉચ અને બોટલોમાં ભરી વેચાણ કરવામાં આવતું હતું. જોકે સરકારી પદ્ધતિ પ્રમાણે ઘીના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જ ફેક્ટરી સંચાલકો સામે કાયદાકીય પગલા લઈ શકાશે.
કેવી રીતે નકલી ઘી બનાવવામાં આવતું: પામોલીન તેલને ગરમ કરીને એમાં લો ક્વોલિટીનું ક્રીમ નાખી તેમજ તેમાં એસેન્સ ભેળવીને ઘી બનાવવામાં આવતું હતું. જે એકદમ અસલી ઘી જેવું દેખાતું હતું. તેને સુખવંત ઘી નામની બ્રાન્ડનું નામ આપવામાં આવ્યું હતું. આ બાબતે નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, નવસારી-બારડોલી રોડ પર આવેલી શિવ ફૂડ પ્રોડક્ટ બનાવતી કંપનીમાં નવસારી LCB પોલીસને બાતમી મળી હતી. જેમાં આ કંપનીમાં ડુપ્લીકેટ ઘી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડો પાડી જગ્યા ઉપરથી પામોલીન તેલ, ક્રીમ સહિત બીજી અન્ય સામગ્રીને કબ્જે કરીને ફૂડ એન્ડ ડ્રગ ટીમ દ્વારા એના સેમ્પલ લઇને ગાંધીનગર ખાતે લેબોટરીમાં તપાસ અર્થે મોકલાવવામાં આવ્યું છે.
ચોખાવાલા બ્રધર્સ પર કરાશે કાર્યવાહી: પોલીસે ઘટના સ્થળેથી 14.94 લાખ રૂપિયાના નકલી ઘી, રો મટીરીયલ અને અન્ય સાધનો મળી કુલ 25.12 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રિપોર્ટમાં ઘી નકલી હોવાનું સાબિત થાય તો, બંને ચોખાવાલા ભાઈઓ સામે પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ સીઝ કરેલ ઘીના જથ્થાનો નાશ કરાશે.