રાજકોટ : વર્તમાન સમયમાં આંખો આવવી તેમજ આંખોની સમસ્યાને લઈને લોકોને તકલીફ પડતી હોવાનું સામે આવી રહ્યું છે. આ સમસ્યામાં આંખને લગતા વાયરલ ઇન્ફેક્શન તેમજ આંખ થવાના કેસોની સંખ્યામાં એકાએક વધારો થઈ રહ્યો છે.
આંખમાં ઇન્ફેક્શનના કેસ : લોકોને પડતી મુશ્કેલી અને સમસ્યાને ધ્યાનમાં લઈને રાજકોટ જિલ્લાની ઉપલેટા સરકારી હોસ્પિટલના આંખના સર્જન તેમજ ઈન્ચાર્જ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડો. ખ્યાતિ કેશવાલાએ આંખોમાં થતા ઇન્ફેકશન અંગેની માહિતી આપી છે. ઉપરાંત તેની અસરથી બચવા માટે લોકોએ શું તકેદારી રાખવી તે સહિતની તમામ માહિતી ETV BHARAT ના માધ્યમથી આપી છે.
"આંખ આવવાના" લક્ષણ : ડો. ખ્યાતિ કેશવાલાએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં વાયરલ ઇન્ફેક્શનને લઈને આંખોની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. અસરની વાત કરવામાં આવે તો આંખના સફેદ ભાગમાં તેમજ પાપણના ભાગની અંદર ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું છે અને સોજાઓ થઈ રહ્યા છે. જેના લક્ષણમાં આંખ બંધ થઈ જવી, આંખમાંથી પાણી નીકળવું, ચેપડા આવે, પાંપણ સોજી જાય તેમજ આંખની અંદર કંઈક પડ્યું હોય તેવી અનુભૂતિ થવી અને આંખ ખટકવા લાગે છે. આ કોઈ ખટકતી વસ્તુ કે એવું કંઈ નથી પરંતુ આ એક પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન છે, જે જલ્દી ફેલાઈ રહ્યું છે.
આંખ આવવાના કેસ વધ્યા : ઉપલેટા સરકારી હોસ્પિટલમાં આવતા આંખના દર્દીઓ અંગે તેમણે જણાવ્યું કે, અહિયાં સામાન્ય રીતે આંખ માટેના 150 થી 200 જેટલા દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. પરંતુ હાલ આ દર્દીઓ સાથે રોજના 20 થી 30 દર્દીઓ આંખના વાયરલ ઇન્ફેકશનની સમસ્યાને લઈને સારવાર માટે આવી રહ્યા છે.
શું તકેદારી રાખશો ? આ પ્રકારની સમસ્યામાં જે કોઈપણ વ્યક્તિને આની અસર થઈ હોય તેવા વ્યક્તિની વસ્તુઓથી દૂર રહેવું અને તેમના સંપર્કમાં આંખ ન આવે કે કોઈ સ્પર્શ ન થાય તેની ખાસ તકેદારી રાખવી. આ ઉપરાંત જ્યારે પણ લોકો બહાર નીકળે ત્યારે આંખની જાળવણી કરવી ઉપરાંત આંખને હાથ કે અન્ય કોઈ વસ્તુ સાથે ડાયરેક સ્પર્શ ન કરવી.
આ વાયરસની અસર થાય ત્યારે શું થાય અને શું ધ્યાન રાખવું, તે બાબતે જણાવ્યું કે, આ ઈન્ફેક્શનની અસર અંદાજે 10 દિવસથી લઈને 20 દિવસ સુધી રહે છે. આ અસરની સાથે જ્યારે અન્ય કોઈ વ્યક્તિ તેમના સંપર્કમાં આવે છે તો તેમને પણ આ વાયરલની અસર થઈ શકે છે. તેમના સંપર્ક આવેલ હોઈ તેમને પણ આ પ્રકારની તકલીફ ભોગવવાનો વારો આવે છે.
શું ન કરવું ? ઘણા લોકો આંખની સમસ્યા થાય છે ત્યારે જાતે આંખના ટીપાં લઈને સારવાર લઈ લેતા હોય છે, જાતે સારવાર લેવાથી સમસ્યા વધે છે. જ્યારે કોઈ પણ દર્દીની આંખમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે તો ડોક્ટરની સલાહ-સૂચન વગર કોઈપણ પ્રકારના આંખના ટીપા કે કોઈપણ વસ્તુ આંખમાં ન નાખવી. કારણ કે, આ એક પ્રકારની વાયરલ ઇન્ફેક્શન છે, તબીબી સારવાર કે સલાહ વગર જાતે સારવાર લેવામાં આવે તો ઘણીવાર તેની વધુ અસર થઈ શકે છે. તેથી લોકોએ સતર્ક રહેવું ખાસ જરૂરી છે.