તાપી : વ્યારાના ડો. શૈલેન્દ્ર ગામીત સામે તેમની જ હોસ્પિટલમાં કામ કરતી યુવતીઓએ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ ડૉક્ટરની પત્નીએ ડોક્ટર પર આરોપ લગાવનાર યુવતીઓ વિરુદ્ધ તેમની જ લેબ અને હોસ્પિટલમાં 2019 થી 2024 દરમિયાન 3.67 કરોડથી વધુ રકમની ઉચાપત કરી હોવાની ફરિયાદ આપી છે. આ મામલે 8 જુલાઈએ પોલીસે બંને યુવતીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શું છે મામલો ? આ અરજી અંગેની તપાસ બાદ પોલીસે બંને યુવતીઓ વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં યુવતીઓએ તેમના બેન્ક એકાઉન્ટ અને રોકડમાં વિવિધ રીતે ઉચાપત કરી હોવાની માહિતી આપી હતી. પત્રકાર પરિષદ દરમિયાન યુવતીઓની દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ અંગેનો ગુનો કેમ નોંધાયો નથી ? તેવું મીડિયા દ્વારા પુછાતા DySP પ્રમોદ નરવડે જણાવ્યું કે, યુવતીઓને તેમણે આપેલ અરજી બાબતે નિવેદન આપવા માટે બોલાવેલ હોવા છતાં તેઓ નિવેદન આપવા માટે હજુ પોલીસ સમક્ષ આવી નથી.
પોલીસ તપાસ : હોસ્પિટલના આટલા રૂપિયા હોસ્પિટલમાં કામ કરતી યુવતીઓના પ્રાઇવેટ ખાતામાં નાખવાની શું જરૂર પડી હશે ? 2019 થી લઇ અત્યાર સુધીમાં યુવતીઓના ખાતામાં રૂપિયા જમા થયા તે ટેક્સ ચોરી કરવા તો નથી કર્યા ? જેવા સવાલો ઉભા થઈ રહ્યા છે.
યુવતીઓ વિરુદ્ધ ફરિયાદ : આ મામલે તાપી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ નરવડેએ જણાવ્યું કે, હિમાંગીની શૈલેન્દ્ર ગામીતે ઉચાપત બાબતે ફરિયાદ આપી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં લેબોરેટરી તથા ડૉ. શૈલેન્દ્ર હોસ્પિટલ અને ICU માં લેબ ટેકનિશિયન, ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ તથા હોસ્પિટલ મેનેજમેન્ટની કામગીરી કરતી બે મહિલાઓએ ઉચાપત કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. 8 જુલાઈના રોજ 406, 420, 408 તથા 114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
3.27 કરોડની ઉચાપત : DySP પ્રમોદ નરવડે જણાવ્યું કે, હોસ્પિટલની જે આવક બંને મહિલાઓના ખાતામાં જમા થતી હતી. મહિલાઓ દ્વારા 3 કરોડ 67 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. આ રૂપિયા ક્યાં સગેવગે કર્યા તેની પૂછપરછ કરી અને આગળની તપાસ ચાલુ છે. આ ઉચાપત 2019 થી 2024 સુધી કરવા આવી છે. આ કેસમાં મહિલાઓ દ્વારા પણ અરજી આપવામાં આવી છે, જેમાં તેમનો સંપર્ક કરતા તેમણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો નથી.