કચ્છ: પૂર્વ કચ્છ સાઇબર ક્રાઇમ પોલીસે લોકોને લાલચ આપીને અલગ અલગ બેંક ખાતાઓ ખોલાવરાવી તે બેંક એકાઉન્ટ કમીશન પર વહેચાણ આપી ગેરરીતીથી 12.24 કરોડ જેટલી રકમ જમા કરાવવામાં ભાગ ભજવનારા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે અમદાવાદ-આદિપુરના 2 આરોપીના નામ ખુલ્યા છે.
12.24 કરોડની હેરાફેરીનો ઘટસ્ફોટ: સમગ્ર દેશ સહિત કચ્છમાં પણ છેતરપિંડીના કિસ્સાઓ વધ્યા છે. પૂર્વ કચ્છ સાઇબર ક્રાઇમ પોલીસે એક અલગ-મોડેસ ઓપરેન્ડીથી નાણાની હેરફેરનો પર્દાફાશ કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે હજુ પણ 2 આરોપીઓ ઝડપવાના બાકી છે. સાયબર ક્રાઇમ પોલીસે અલગ-અલગ મુદ્દામાલ સાથે બેંક ખાતામાં જમા થયેલ 12.24 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારને હાલ ફ્રિઝ કર્યા છે.
23 બેન્ક ખાતા મારફતે વ્યવહારો: છેતરપિંડીના કેસમાં ગાંધીધામમાં રહેતા એક યુવાનને તેના મિત્રએ વિશ્વાસમાં લઇ તેના નામે 2 બેંકમાં ખાતાં ખોલાવી તે બેંક ખાતામાં અનઅધિકૃત રીતે રૂા. 90 લાખનો આર્થિક વ્યવહાર કર્યો હતો. સમગ્ર મામલે યુવાને પોલીસ ફરીયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે સાઇબર બ્રાન્ચ પૂર્વ કચ્છની ટીમે તપાસ શરૂ કરી હતી અને જેમાં આ યુવાન જ નહી પરંતુ અન્ય ભોગ બનનાર લોકોના આ રીતે ખાતા ખોલાવી વિવિધ બેંન્કોમાં 12.24 કરોડના વ્યવહાર કરાયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
2 યુવાનોને પકડી વધુ કાર્યવાહી: ગાંધીધામ સાઇબર ક્રાઇમ પોલીસે આ મામલે અમદાવાદ અને ગાંધીધામના 2 યુવાનોને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જેથી કરીને અલગ-અલગ વ્યક્તિના નામે આ કેસમાં સામે આવ્યા હતા. આ બેંક ખાતા વિરુદ્ધ દેશના 7 રાજ્યમાં પોલીસ ફરિયાદ થયા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પૂર્વ કચ્છ જીલ્લા પોલીસ વડા સાગર બાગમારે આ અંગે મીડિયા સાથે વાતચીત કરીને વધુ વિગતો જાહેર કરી હતી.
મિત્રએ જ મિત્ર સાથે છેતરપીંડી કરી: ગાંધીધામના ચિરાગ બિપિનકુમાર સાધુ નામના યુવાને પોતાના મિત્ર નરેન્દ્ર કિશન રાજપૂત પર વિશ્વાસ રાખીને બેંક ઓફ કર્ણાટકમાં ખાતું ખોલાવ્યું હતું. થોડા દિવસ બાદ નરેન્દ્રએ ફરીથી ફરિયાદીને મળી મારા મિત્રના પણ પૈસા આવવાના છે. જેના લીધે મારા પણ પૈસા અટકી ગયા છે તેમ કહી વિશ્વાસમાં લઇ ફરિયાદીનાં નામે મહારાષ્ટ્ર બેંકમાં પણ ખાતું ખોલાવ્યું હતું. થોડા સમય બાદ પણ રૂપિયા પરત ન મળતા અને મિત્રનો વ્યવહાર પણ શંકાસ્પદ જણાતા ફરિયાદી યુવાને મહારાષ્ટ્ર બેંકમાં જઇ પોતાના ખાતાની વિગતો તપાસ કરાવતા તેમાં મર્યાદા કરતાં વધારે અને અનઅધિકૃત રીતે વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું હતું અને તેનું ખાતું બંધ કરી દેવાયું હોવાનું બેંકમાંથી જાણવા મળ્યું હતું.
90 લાખથી વધુના ટ્રાન્જેક્શન: બેંક એકાઉન્ટ બંધ થઈ જતાં યુવાન તરત બેંક ઓફ કર્ણાટકમાં ગયો હતો તેમાં પણ અનઅધિકૃત રીતે વ્યવહાર થયાનું તેને જણાવવામાં આવ્યું હતું. જેથી ફરિયાદીએ કર્ણાટક બેંકનું ખાતું પોતાના મોબાઇલથી લિન્ક કરાવી તેનું સ્ટેટમેન્ટ કઢાવતાં 10 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન તેના ખાતામાં રૂ. 90 લાખથી વધુના ટ્રાન્જેક્શન થયા હોવાનું સામે આવ્યું હતું. પોતાની સાથે મિત્રએ છેતરપિંડી કરી હોવાનું સામે આવતાં ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી. જેની તપાસ નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર કરાતાં આ ખાતાં વિરુદ્ધ કેરલા ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદો થઇ હોવાનું સામે આવ્યુ હતું.
પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડયા: સાયબર ક્રાઇમની વધુ તપાસમાં આરોપી નરેન્દ્ર રાજપૂતએ જિગર નીતા પંડયા, શંકર સુમાર એડિયા, ચિરાગ શંકર કારિયા,પવન થારૂને પણ આવી રીતે વિશ્વાસમાં લઇ તેમના પણ વિવિધ બેંકમાં ખાતાં ખોલાવી પોતે વાપરતો હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ મામલે નરેન્દ્ર ઉર્ફે હિતેશ કિશનલાલ રાજપુત તથા પ્રમોદકુમાર ઉર્ફે આશિષ મહેશ જાંગીરની ધરપકડ કરવામાં આવી છે.
12.24 કરોડના વ્યવહારો થઇ ગયા: કેસની તપાસમાં આરોપીઓએ ગાંધીધામના 18 લોકો, મોડાસા અને અમદાવાદના 5 લોકોને વિવિધ રીતે વિશ્વાસમાં લઇને 23 બેંક અકાઉન્ટ ખોલાવીને તેમાં 12.24 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હોવાનું ખુલ્યું હતું. આરોપી નરેન્દ્ર આ ખાતાઓ અમદાવાદ રહેતા પ્રમોદકુમાર જાંગીરને આપતો હતો અને અમદાવાદનો પ્રમોદકુમાર આ વિવિધ ખાતાઓનો ઉપયોગ કરવા માટે મૂળ ગાંધીધામની અને હાલે અમદાવાદ રહેતી હસ્મિતા મનોજ ઠકકર તથા આદિપુરના રાજ દિપક ધનવાણીને આપતો હતો.
આંતરરાષ્ટ્રીય કનેક્શન પણ સામે આવી શકે: હાલમાં સાયબર ક્રાઈમ પોલીસે નરેન્દ્ર અને પ્રમોદકુમારને ઝડપી લીધા છે. જયારે અન્ય આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ ચાલું છે.આ કિસ્સામાં તપાસ દરમ્યાન માસ્ટર માઇન્ડ એવા બે શખ્સોની ધરપકડ બાદ મોટા આંતરરાષ્ટ્રીય મામલાનો પર્દાફાસ થઈ શકે છે. ઝડપાયેલા બન્ને કમિશન પર આ બેંક એકાઉન્ટ ઉપયોગ માટે આપતા હોવાનુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.