અમદાવાદ: ગુજરાત રાજ્યના માર્ગ અને અન્ય મકાન બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા જૂન-2017 માં શ્રમીક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી. બાદમા કોરોના લોકડાઉનમાં આ યોજના બંધ થઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યોજનાને ફરીથી ગત 8 ઓક્ટોબરના રોજ પુનઃ શરૂ કરાઇ હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ-22 કડીયાનાકાથી યોજના શરૂ કરાઇ હતી. ત્યારબાદ વડોદરા, સુરત, રાજકોટ, નવસારી, મહેસાણા, વલસાડ, પાટણ, ભાવનગર, ભરૂચ, મોરબી, સાબરકાંઠા, બનાસકાંઠ, જામનગર, ખેડા, આણંદમાં કુલ 278 ભોજન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં 17 જિલ્લામાં 287 કડીયાનાકા પર ભોજન વિતરણ કેન્દ્ર કાર્યરત છે. સરકારી દાવા અનુસાર માત્ર રૂ.5 માં શ્રમીકોને ભરપેટ ભોજન આપવામાં આવે છે. તેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, મરચું અને ગોળ આપવામાં આવે છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરવામાં આવે છે. આગામી તા.11 માર્ચે 12 નવા કેન્દ્ર ખોલવામાં આવશે. ઈટીવી ભારતની ટીમે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું રિયાલિટી ચેક કર્યું હતું.
શ્રમીકો આ યોજનાનો લાભ કેવી રીતે મેળવશે: ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઇ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલા શ્રમીકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. યોજનાનો લાભ લેવા માટે શ્રમીકો પોતાનુ ઇ-નિર્માણ કાર્ડ ભોજન વિતરણ કેન્દ્રમાં નોંધાવવાનુ હોય છે. કાર્ડનો ક્યુ-આર કોડ સ્કેન કરીને તેને આખા પરિવાર માટે ભોજન આપવામાં આવે છે. જે શ્રમીક પાસે કાર્ડ ન હોય તેમને વિતરણ કેન્દ્ર પર હંગામી ધોરણે 15 દિવસ સુધી ભોજન મેળવી શકે છે.
શ્રમીક અન્નપૂર્ણા યોજના સાથે શ્રમીકોને અન્ય યોજનાનો લાભ: ગુજરાતમાં અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા શ્રમીકો ઓછુ ભણેલા છે. તેમા પણ ખાસ કરીને મહિલા શ્રમીકોને સરકારની વિવિધ યોજનાઓ વીશે પુરતી માહિતિ નથી. તેથી, ભોજન વિતરણ કેન્દ્ર પર શ્રમીકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતિ પણ આપવામાં આવે છે. મેડિકલ હેલ્થ યુનિટ, પ્રસુતિ સહાય, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ, પી.એચ.ડી અભ્યાસ સહાય, આકસ્મિક મૃત્યુ સહાય, અંત્યોષ્ઠિ સહાય, વ્યવસાયિક રોગોમાં સહાય, શ્રમીક પરિવહન, નાનાજી દેશમુખ આવાસ યોજના સહિતની યોજનાની માહિતિ આપવામાં આવે છે.
શુ કામ યોજના શરૂ કરવામાં આવી? શ્રમિકોને સવારે વહેલા ઊઠીને ભોજન બનાવવા માટે સમય ફાળવવો પડે છે. એ સમય ન બગડે એટલા માટે યોજના લાગુ કરી છે. તેમની ભોજનની સવલત માટે આ યોજના છે. ખાસ કરીને શ્રમિક મહિલાઓ માટે આ યોજના આશીર્વાદરૂપ છે, કારણ કે મહિલાઓ ઘરે પણ ભોજન રાંધવાનું કામ કરે અને બહાર જઈને કડિયાકામ પણ કરે. આ યોજના થકી બહેનોએ વહેલી સવારે ઊઠીને સાત વાગ્યા પહેલા ચૂલો પેટાવીને ભોજન બનાવવાનું હતું તેમાંથી મુક્તિ મળતી છે.
શ્રમીકોએ શુ ફરિયાદ કરી ? શ્રમિકોએ જણાવ્યુ કે આંબાવાડી કડીયા નાકા પર એક મજૂર પાસેથી ભોજનના રૂ.10 વસુલવામાં આવે છે. જ્યારે શહેરના અન્ય કડીયાનાકા પર માત્ર રૂ.5 લેવામાં આવે છે. અમે ભોજન વિતરણ કેન્દ્ર પર બેસેલા ઓપરેટરને જણાવ્યુ કે અમારી પાસેથી કેમ રૂ.5 ને બદલે 10 વસુલે છે? તે ઓપરેટર ઉધ્ધત જવાબ આપે છે. અમને પણ રૂ.5 માં ભોજન મળવુ જોઇએ. ઘંઉની રોટલી પણ કેટલીકવાર કાચી-પાકી આવે છે.
શ્રમિકોની અલગ-અલગ પ્રકારના ભોજનની તાસીર: ગુજરાતમાં મોટાભાગના શ્રમીકો આદિવાસી વિસ્તારમાંથી આવે છે. આદિવાસીઓની ભોજનની તાસીર અને ખોરાક અન્નપૂર્ણા યોજનામાં અપાતા ભોજન કરતાં ખૂબ અલગ છે. "તેઓ મકાઈના રોટલા ખાય છે અને અન્નપૂર્ણામાં રોટલી કે થેપલાં મળે છે. સૌરાષ્ટ્રના મજૂરો બાજરીના રોટલા ખાવા ટેવાયેલા છે. તેથી, મજૂરોએ ભોજનમાં વિવિધતા લાવવાની માંગણી કરી છે. સામાન્ય રીતે મજૂરો તીખું અને ડુંગળી લસણ વગેરે મસાલા ભરપૂર શાક ખાવા ટેવાયેલા હોય અને અન્નપૂર્ણાના શાક–દાળ તેમને માફક ન આવે. ઉત્તર પ્રદેશ, બિહાર કે રાજસ્થાનના જે શ્રમિકો છે તેમનો તો ખોરાક જ સાવ અલગ છે. દરેક અન્નપૂર્ણા કેન્દ્રો પર એક જ સરખા સ્વાદનું ભોજન મળે જ્યારે કે દરેક કડિયાનાકા પર શ્રમિકો અલગ-અલગ પ્રકારના હોય છે. બધાં શ્રમિક નાકા પર અલગ-અલગ લોકો ઊભા રહે. આ તમામ લોકોનો ખોરાક અને ટેસ્ટ અલગઅલગ પ્રકારના છે. અન્નપૂર્ણા યોજનામાં એક જ પ્રકારનું ભોજન મળે છે. તેથી આ દરેકને એ માફક ન આવે. એટલું ખરું કે જે શ્રમિકો એકલા રહેતા હતા તેમણે આનો લાભ વધુ લીધો હતો. જે સ્થળાંતરિત શ્રમિકો પરિવાર સાથે રહેતા હોય તેમણે ખાસ લાભ નથી લીધો.
ખરી જરૂરીયાત સમયે સરકારે યોજના બંધ કરી- વિપક્ષ: કોરોનામાં જ્યારે શ્રમીકોને ભોજનની ખરી જરૂર હતી ત્યારે સરકાર લાંબો સમય સુધી યોજના બંધ રાખી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. લોકડાઉન હળવુ થયાના લાંબા સમય બાદ સરકારે યોજના ફરીથી શરૂ કરી છે. કોરોના બાદ જ્યારે સ્થિતિ સમાન્ય થઇ ત્યારે પણ યોજના બંધ હતી. કોંગ્રેસે અનેકવાર આવેદનપત્રો અને રજૂઆત કરી બદમાં આ યોજના સરકારે ફરીથી શરૂ કરી છે.
સમગ્ર યોજનામાં શ્રમીકોના સુચનો અને સમસ્યા અંગે ઇટીવી ભારતની ટીમે શાહપુરમાં આવેલી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ કલ્યાણ બોર્ડની ઓફીસે અધિકારીનો સંપર્ક સધવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ કલ્યાણ બોર્ડના શ્રમ અધિકારી હંસરાજ ઝાલાને રૂબરૂ મળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પ્રથમ બે દિવસ મુલાકાતનો સમય આપ્યો ન હતો. ત્રીજા દિવસે ઓન કેમેરા ટીપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.