કચ્છ: જિલ્લાના લખપત અને અબડાસામાં ભેદી તાવથી થઇ રહ્યા મૃત્યુ અંગે રાજ્યના આરોગ્ય પ્રધાન રૂષીકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે, આ સ્થિતિને લઇ સરકાર ગંભીર છે. રાજકોટ ઉપરાંત ભુજની ટીમો કારણ જાણવા તપાસ કરી રહી છે. આ ટીમોને બે દિવસમાં રિપોર્ટ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. સરહદી તાલુકા એવા લખપતના ભેખડા, સાન્ધ્રો, મેડી સહિતના ગામોની સાથે તેને અડીને આવેલા અબડાસા તાલુકામાં પણ આ ભેદી વાયરસના ચિંતાજનક લક્ષણ જોવા મળ્યા છે, ત્યારે મહંદશે લખપત તાલુકાના જત સમાજમાં ન્યુમોનિયા જેવા લક્ષણ ધરાવતા લોકોના ટુંકાગાળામાં મોત થતાં કયાંક પશુધનના સંપર્કમાં આવવાથી આ વાયરસ નથી પ્રસર્યોને તે જાણવા પશુપાલન વિભાગની ટીમોને પણ તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, કચ્છના સ્થાનીક તંત્રની સાથે સાથે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને રાજકોટ ગાંધીનગરથી રેપિડ રિસ્પોન્સ ટીમ તપાસ કરી રહી છે. તેમજ 11 જેટલા રિપોર્ટનું પરિણામ આવી ગયું છે જેમાં બે લોકોને મેલેરિયા અને એકને ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યું છે જ્યારે તમામ રિપોર્ટ્સમાં સ્વાઈન ફ્લૂનું રિપોર્ટ નેગેટીવ આવ્યું છે.
દર્દીઓનાં નમૂના મેળવી રીપોર્ટસ સહિતની કામગીરી: રાજ્યની આરોગ્ય વિભાગની તેમજ કચ્છની ટીમો લખપત તાલુકાના સાનધ્રો, ભેખડા ગામમાં પહોંચી ચુના, મેલેથીનના છંટકાવ સાથે ફોગીંગ, ક્લરોનેશન, દર્દીઓનાં નમૂના મેળવવા સહિતની કામગીરી કરી રહી છે. અબડાસા તાલુકાના વાલાવારીવાંઢ અને નારાવાંઢમાં શંકાસ્પદ તાવના લક્ષણો સાથે બે મોત થયા છે, પણ તેમાં અન્ય કેટલાક કારણો પણ સામે આવી રહ્યા છે. એક મહિલાને સારવાર બાદ તાવ મટી ગયો હતો પણ એ પછી થોડા દિવસો બાદ આવેલો હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું.
દર્દીઓના તેમજ પરિવારજનોના નમૂના પરીક્ષણ: ભેદી તાવથી છેલ્લા 4 દિવસમાં 12 અને તે પછી વધુ 2નાં મોતથી આરોગ્ય તંત્રે સ્થિતિને ગંભીરતાથી લઇ લખપતના ભેખડા સહિતના ગામોમાં મંગવાણા અને દયાપરથી તબીબોને ત્યાં પ્રતિનિયુક્ત કરી ઓ.પી.ડી. સહિતની કામગીરીને ઝડપી કાર્યરત કરી છે. દર્દીઓના તેમજ પરિવારજનોના નમૂના પરીક્ષણ માટે ગાંધીનગર મોકલાયા છે.
11 સેમ્પલના રીપોર્ટસ આવ્યા: કચ્છ કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, રાજકોટ અને ગાંધીનગરથી રેપિડ રિસ્પોન્સ ટીમો પણ લખપત વિસ્તારમાં સર્વેલન્સ કરી રહી છે. કચ્છનું આરોગ્ય તંત્ર રાજ્ય સરકારની ટીમો સાથે રહીને કામ કરી રહી છે. અત્યારે સરવેલન્સ ટીમો કામ કરી રહી છે. ઓપીડીના કેસો પર પણ નજર રાખવામાં આવી રહી છે તેમજ શંકાસ્પદ કેસના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલવામાં આવી રહ્યા છે. લખપત અને અબડાસાના અસરગ્રસ્ત 6 ગામો છે ત્યાં પણ સેમ્પ્લિંગનું કામ ચાલુ છે જેમાં 11 સેમ્પલના રીપોર્ટસ આવ્યા છે જેમાં તમામના સ્વાઈન ફ્લૂ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
2 મલેરિયા પોઝિટિવ અને 1 ડેન્ગ્યુ પોઝિટિવ કેસ: 11 કેસો પૈકી 2 મલેરિયા પોઝિટિવ અને 1 ડેન્ગ્યુ પોઝિટિવ કેસ આવ્યા છે. કોઈ વયજૂથના કેટેગરીમાં જ આવા લક્ષણો જોવા મળી થયા છે તેવું નથી. સરકાર તરફથી રેપિડ રિસ્પોન્સ ટીમો આવી છે અને કામગીરી કરી રહી છે જે ચોક્કસ કારણો જણાવશે. આરોગ્ય અધિકારીઓની ટીમ પણ સ્થળ પર જ છે અને દર્દીઓની સારવાર થાય અને કોઈને તકલીફ ન થાય તેની કાળજી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: