અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના કડક અને આકરા વલણ બાદ એસબીઆઈએ ઈલેક્ટોરલ બોન્ડની વિગતો ઈલેકશન કમિશનમાં જમા કરાવી છે. આ વિગતો ઈલેકશન કમિશને સાર્વજનિક કર્યા બાદ ભારતીય રાજકારણમાં હડકંપ મચી ગયો છે. દરેક પક્ષ અન્ય પક્ષ પર ઈલેકટોરલ બોન્ડ મુદ્દે આક્ષેપ કરતો જણાય છે. આજે ગુજરાત કૉંગ્રેસે ભાજપ પર અબજોના કૌભાંડનો આક્ષેપ કર્યો છે.
કૉંગ્રેસના આકરા વાકપ્રહારઃ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ઈલેકટોરલ બોન્ડ મામલે ભાજપને આડે હાથ લીધી અને આકરા વાકપ્રહાર કર્યા છે. ડૉ. મનીષ દોશી જણાવે છે કે, ભાજપ સરકારે ઈલેકટોરલ બોન્ડના માધ્યમથી લૂંટનો કારોબાર કર્યો છે. વર્ષ 2017માં ભારતીય રીઝર્વ બેન્કે ચેતવણીપત્ર માં સ્પષ્ટ જણાવ્યું હતું કે, ઈલેક્ટોરલ બોન્ડના ઉપયોગથી બ્લેક મની અને મની લોન્ડ્રિંગ જેવા ગુનાઓમાં વધારો થઈ શકે છે. તેમ છતાં આ ઈલેકટોરલ બોન્ડની સ્કીમ લાવવામાં આવી. ઈલેક્ટોરલ બોન્ડ અંગે જાહેર થયેલા પ્રાથમીક ડેટા પરથી ભાજપનું કૌભાંડ સ્પષ્ટ થાય છે. ભાજપે ચંદા દો-ધંધા લો, હપ્તા વસૂલી જેવા કાંડ કર્યા છે.
43 કંપનીઓએ 384.50 કરોડનું દાન કર્યુઃ ડૉ. મનીષ દોશીએ ભાજપને 43 કંપનીઓને ઈલેકટોરલ બોન્ડના સ્વરુપમાં દાન આપ્યાની રજૂઆત કરી છે. મનીષ દોશી જણાવે છે કે, 2018 પછી 43 જેટલી કંપનીએ તેની સ્થાપનાના માત્ર 6 મહિનામાં ઈલેક્ટોરલ બોન્ડ ખરીદીને કુલ 384.50 કરોડનું દાન આપ્યું. પી.એમ.એલ.એ.(PMLA)ના ઉલ્લંઘન વર્ષ 2018માં નાણાં મંત્રાલયે 19 કંપનીઓને ઉચ્ચ જોખમ (HIGH RISK)ના રૂપમાં જાહેર કરી હતી.
ઈલેકટોરલ બોન્ડના રુપમાં દાન આપી ઉઘાડી લૂંટ કરીઃ ગેરકાયદેસર, બેરોક ટોક ખનીજ લૂંટની સામે ઈલેક્ટોરલ બોન્ડના નામે અલ્ટ્રાટ્રેક માઈનિંગ, ગ્રાસીમ અને એસ્સેલ માઈનિંગ દ્વારા મહુવા અને તળાજાના દરિયા કાંઠાના માઈનિંગ પ્રોજેકટ માટે ભાજપને 70 કરોડથી વધુની રકમ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવી હોવાનો ઉલ્લેખ પણ મનીષ દોશીએ કર્યો હતો. આ કંપનીઓ આદિત્ય બિરલા ગ્રુપની છે અને તેઓએ ખાનગી રીતે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 70 કરોડથી વધુ ફંડ આપ્યું છે. મનીષ દોશીએ ભાજપના સમર્થન પર પણ વાકપ્રહાર કર્યા છે. તેઓ જણાવે છે કે, સ્પષ્ટ સમજાય એવી વાત છે કે ભાજપને સમર્થન એટલે દરિયાઈ કાંઠાના ગામડાઓનું અને ભાવિ પેઢીનું પતન.