વલસાડ: કેન્દ્ર સરકારની નવી નીતિ માટે વલસાડ જિલ્લામાં શિક્ષણ વિભાગે 36 મદરેસાની મુલાકાત લીધી હતી. ભૌતિક સુવિધાઓ અને વિવિધ પરવાનગી અંગેની જાણકારી મેળવી હતી જેમાં સરકારી માપદંડો મુજબ પ્રાથમિક સુવિધા છે કે નહિ તે તમામ પાસાની તપાસ કરવામાં આવી હતી.
રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્રમાં મોકલાશે: સરકારની નવી શિક્ષણ નીતિના આધારે ગુજરાતની વિવિધ મદરેસાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ વિભાગની ટીમ દ્વારા વલસાડ જિલ્લામાં પણ 36 જેટલી મદરેસાની મુલાકાત લઇ પ્રાથમિક રિપોર્ટ બનાવવામાં આવ્યો છે જેમાં ભૌતિક સુવિધાઓ અને વિવિધ સરકારી પરવાનગીઓ સહિતની વિગતો નોંધવામાં આવી છે અને બાળકોને શિક્ષણ મળે છે કે નહી તે અંગેની જાણકારી લેવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં કુલ 36 મદરેસા: વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર વલસાડ તાલુકામાં 14 વાપીમાં 10 ઉમરગામમાં 3 પારડીમાં 8 અને ધરમપુરમાં 14 મળીને કુલ 36 જેટલી મદરેસાઓ કાર્યરત છે. જોકે હાલમાં વેકેશન ચાલી રહ્યું છે એટલે તમામ સ્થળોએ શિક્ષણ વિભાગની ટીમ પહોંચીને પ્રાથમિક સુવિધાઓની તપાસ વિવિધ સરકારી માપદંડો અને પરવાનગીઓ સહિતની કામગીરીનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
સરકારની નવી શિક્ષણ નીતિનો હેતુ: કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા નવી નીતિ નક્કી કરવામાં આવી છે જે અંતર્ગત વિવિધ મદરેસામાં બાળકોની સંખ્યા સામાન્ય શિક્ષણથી બાળક વંચિત ન રહે તે અંગે તમામ વિગતોના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
દરેક મદરેસાએ યોગ્ય સહકાર આપ્યો: જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી ભુસારાના જણાવ્યા મુજબ દરેક મદરેસામાં પ્રાથમિક રિપોર્ટ માટે ગયા હતા. દરેક સ્થળે સંચાલકો દ્વારા યોગ્ય સહકાર આપવામાં આવ્યો હતો. હાલમાં રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જે ટૂંક સમયમાં કેન્દ્રમાં મોકલી દેવામાં આવશે. આમ સમગ્ર ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં પણ 36 મદરેસામાં પ્રાથમિક સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે કેન્દ્રમાં મોકલવામાં આવશે