કચ્છ: કચ્છમાં જાણીતી બ્રાન્ડ ગોપાલની ક્રિસ્ટોસ વેફરના પેકેટમાંથી કાનખજુરો નીકળ્યા હોવાની ઘટના સામે આવી છે. ભુજનાં સેજ્વલા માતમમાં આવેલ સ્થાનિક દુકાન પરથી ગ્રાહકે ખરીદેલ ગોપાલના વેફરના પેકેટમાંથી કાનખજૂરો નીકળ્યો હતો. પેકેટ ખોલી વેફર્સ ખાતી વખતે પેકેટમાં મૃત કાનખજૂરો દેખાયો હતો. છેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યમાં વિવિધ ફૂડ પ્રોડકટમાં અને હોટેલની ખાણી પીણીની વસ્તુમાં જીવિત અને મૃત જીવાતો નીકળે છે. ત્યારે કચ્છમાં પણ ફૂડ પેકેટમાં જીવાત નિકળતા આ ઘટના પણ ચર્ચાનો વિષય બની છે, ત્યારે ગ્રાહકોએ પણ ખાણીપીણીની દરેક વસ્તુ ચકાસીને લેવી અને ખાતી વખતે પણ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.
આજે ભુજના પઠાણ અસલમ ખાનની દીકરી જ્યારે વેફર ખાઈ રહી હતી ત્યારે ગોપાલના વેફરમાં જીવાત નીકળતા તેણે તેના પિતાનું ધ્યાન દોર્યું હતું. ગ્રાહકે ગોપાલ કંપનીના ટ્રોલ ફ્રી નંબર પર સંપર્ક સાધ્યો હતો. પરંતુ કોઇએ પ્રત્યુતર આપ્યો ન હતો. ત્યારબાદ કસ્ટમર કેર નંબર પર વ્હોટ્સએપ પર ફોટો મોકલી અને જાણ કરતા કસ્ટમર કેર નંબર પરથી ગ્રાહકને પેકેટ બદલી આપવાની વાત કરી હતી. ગ્રાહક દ્વારા કચ્છના ફૂડ વિભાગને પણ ફરિયાદ કરવામાં આવશે.