બનાસકાંઠા: શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આજથી (12 સપ્ટેમ્બરથી ) ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ છે. જે 18 સપ્ટેમ્બર સુધી ચાલશે. શકિતપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રાનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે. અંબાજી આવતા તમામ ભાવિભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જાય છે.
![મોહનથાળનો પ્રસાદ બનાવાની તૈયારી પુર જોશમાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-09-2024/gj-bk-ambaji-prsad-avb_11092024182600_1109f_1726059360_71.jpg)
મોહનથાળ બનાવાની તૈયારી શરૂ: દર વર્ષે મેળા દરમિયાન ત્રીસ થી ચાલીસ લાખ માઇભકતો મેળામાં આવતા હોય છે. મેળામાં આવતા તમામ માઇભકતોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવા ટચસ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં નવી કોલેજ ખાતે મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરિયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામાં આવશે.
![મોહનથાળનો પ્રસાદ બનાવાની તૈયારી પુર જોશમાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-09-2024/gj-bk-ambaji-prsad-avb_11092024182600_1109f_1726059360_956.jpg)
1000 ઘાણ મોહનથાળ પ્રસાદ: 12 સપ્ટેમ્બરે મેળાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે 11 સપ્ટેમ્બરના રોજ 90 થી 100 ઘાણ જેટલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. રોજે રોજ યાત્રિકોના ઘસારાને ધ્યાને રાખી મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવે છે. આ માટે એક ઘાણમાં 100 કિલો બેસન, 150 કિલો ખાંડ, 75 કિલો ઘી- પાંચ ડબ્બા સાથે દોઢ કિલો ઘી, 200 ગ્રામ ઈલાયચીનો વપરાશ થાય છે. આ માટે ઘાણ બનાવવામાં 100 જેટલા કારીગરો, પેકિંગ માટે 200 થી 300 કારીગરોને લોડીંગ, રો મટીરીયલ, અને અન્ય કામ માટે 100 થી 150 માણસો સેવાઓ આપી રહ્યા છે. મેળા દરમિયાન 1000 ઘાણ મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે.
![મોહનથાળનો પ્રસાદ બનાવાની તૈયારી પુર જોશમાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-09-2024/gj-bk-ambaji-prsad-avb_11092024182600_1109f_1726059360_596.jpg)
એક ઘાણ એટલે લગભગ 3,25,000 કિલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવશે. હાલમાં મોહનથાળ બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રસાદને બોક્સમાં પેકિંગ કરી મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઇન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવે છે. અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળીને 14 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભાં કરવામાં આવ્યાં છે.
![મોહનથાળનો પ્રસાદ બનાવાની તૈયારી પુર જોશમાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-09-2024/gj-bk-ambaji-prsad-avb_11092024182600_1109f_1726059360_136.jpg)
મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ: ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી નવી કોલેજ ખાતે વોટરપ્રુફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈભક્તો માતાજીનાં દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે. મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે. આ મનભાવન મોહનથાળ પ્રસાદ વગર અંબાજી યાત્રા અધૂરી ગણાતી હોવાની લોકોની શ્રદ્ધા હોવાથી પદયાત્રાના પ્રસાદ સ્વરૂપે આવનાર તમામ માઇભકતો મોહનથાળ અવશ્ય લઈ જાય છે.
![3.25 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-09-2024/gj-bk-ambaji-prsad-avb_11092024182600_1109f_1726059360_1089.jpg)
3 થી 4 લાખ પેકેટ પ્રસાદ બનાવવાનું આયોજન: રોજના ત્રણથી ચાર લાખ પેકેટ મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયુ છે. જિલ્લા પુરવઠા અધિકારી પદ્મિની રાઠોડે જણાવ્યું હતું કે માઈભક્તોની શ્રદ્ધા અનુસાર પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. ગુણવત્તા અને સ્વચ્છતા અંગે પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એક હજાર ઘાણ બનાવવાનું આયોજન કરાયું છે. દોઢ લાખ કિલો ખાંડ, એક લાખ કિલો બેસન અને બસો કિલો ઈલાયચી પાવડર અને પાંચ હજાર ડબ્બા ઘીનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે. રોજના 3 થી 4 લાખ પેકેટ પ્રસાદ બનાવવાનું આયોજન કરી 14 વિતરણ કેન્દ્રો પર સુગમતાથી પ્રસાદ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો