સાબરકાંઠા: સમગ્ર ગુજરાત માટે કપાસ તેમજ મગફળી અને મકાઈના વાવેતર માટે ઉત્તર ગુજરાત મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ઈડર તાલુકાના ખેડૂતો ખેતીને વધુ પ્રાધાન્ય આપતા હોય છે તે સ્વાભાવિક બાબત છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ડુબલીકેટ તેમજ બોગસ બિયારણને પગલે જગતના તાતને નુકસાન ભોગવવાનું થતું હોય છે. બડોલી તેમજ કાનપુર વિસ્તારના 15 કરતાં પણ વધુ ખેડૂતોએ પાયોનીયર 350 બે નંબરનું મકાઈનું બિયારણ ખરીદ્યું હતું. ખેડૂતો દ્વારા ખરીદી કરવામાં આવેલ બિયારણની વાવણી મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં કરવામાં આવી હતી. જોકે 75 દિવસના સમયગાળા બાદ પાકમાંથી જ્યારે ઉત્પાદન લેવાનું સમય આવે ત્યારે મકાઈની વાવણીમાં મકાઈના ડોડા તો બેસ્યા છે સામે ડોડામાં મકાઈનો દાણો ન આવતા ખેડૂતોને મોટા પ્રમાણની ખેતી નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે. 50 એકર કરતા પણ વધુ જમીનમાં ખેડૂતોએ પાયોનીયર 350 બે નંબરનું મકાઈના બિયારણની વાવણી કરી હતી જો કે ચોમાસાની ઋતુમાં મકાઈના પાકમાંથી ઉત્પાદન લેવાનું સમય છે, ત્યારે પાકમાંથી ઉપજ લેવાના સમયે ખેડૂતોને પોતાના કરેલા ખર્ચનું વળતર પણ ન મળતા ખેડૂતો હવે ખેતીવાડી વિભાગ તેમજ ખાનગી કંપનીના પાસે પોતાની રજૂઆતોને લઈ ધક્કે ચડ્યા છે.
વાવણી સમયે ખેડૂતો બેંકમાંથી ધિરાણ લઈ મોંઘા બિયારણો, દવાઓ અને ખાતરોની ખરીદી કરતા હોય છે. જોકે દિન પ્રતિદિન પાક નિષ્ફળ જવાના બનાવો વધી રહ્યા છે. જ્યારે ખેડૂતોને વાવણીનો સમય હોય છે ત્યારે માર્કેટમાં સીડ્સની દુકાનોમાં વિવિધ કંપનીઓના બિયારણો એજન્ટો થકી ખેડૂતોને વેચાણ કરવામાં આવતા હોય છે. જોકે ખેડૂતો કંપનીના તેમજ એજન્ટોના પર વિશ્વાસ મૂકીને પોતાના ખેતરમાં પાકની વાવણી કરતા હોય છે. જ્યારે ખેડૂતો પોતાના પાકની વાવણી કરે છે ત્યારે તેઓ પોતે સારા ઉત્પાદનની આશા પણ રાખતા હોય છે. એવામાં પાક જ્યારે નિષ્ફળ નીકળે છે ત્યારે ખેડૂત તેમજ ખેતરમાં મજૂરી કરતા ભાગિયાનો પરિવાર પણ નિરાશ થતો હોય છે. હાલના સમયે બડોલી તેમજ કાનપુરના 15 કરતાં વધુ ખેડૂતોએ પાયોનીયર 350 બે નંબરનું મકાઈનું બિયારણ આપનાર એજન્ટો તેમજ કંપનીઓનો પણ સંપર્ક કર્યો છે. જોકે કંપનીઓ અને એજન્ટો દ્વારા ખેડૂતોને સંતોષકારક જવાબ ન મળવાને કારણે પોતાની યોગ્ય રજૂઆતને લઈ ખેતીવાડી વિભાગમાં લેખિત રજૂઆતો કરવામાં આવી છે. જોકે ડુબલીકેટ બિયારણને કારણે છેતરાયેલા ખેડૂતો સરકારી તંત્ર પાસે યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
હાલના સમય મોટા પ્રમાણમાં મકાઈનું વાવેતર કરનાર ખેડૂતો ડુબલીકેટ બિયારણના કારણે છેતરાયા હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે અને કંપની પાસે પોતાના વળતરની માંગ કરી રહ્યા છે. જો આવનાર દિવસોમાં ખેડૂતોને ન્યાય નહિ મળે તો પોતે આત્મવિલોપન કરવાની પણ તૈયારીઓ દર્શાવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં તંત્ર દ્વારા ખાનગી કંપનીઓ સામે કેવા અને કયા પ્રકારના પગલા ભરવામાં આવે છે.