રાજકોટ : સમગ્ર મામલે રાજકોટ કોર્પોરેશનના પશુ ડોકટર બી.આર. જાકાસનીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ કેટલા શ્વાનો છે તેમજ કેટલા શ્વાનના ખસીકરણ કરવામાં આવ્યા છે અને કેટલાં બાકી છે. જ્યારે કેટલા મેઈલ અને ફિમેલ છે અને જેટલા 6 માસથી નાના શ્વાન છે આ તમામ માહિતીઓ આપણને મળે તે માટે મનપા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ સાથે જ મનપા દ્વારા એનિમલ વેલ્ફર બોર્ડ ઓફ ઈન્ડીયાની જે માન્ય એજન્સીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારની શેરીઓમાં કેટલા શ્વાનો છે તેની ગણતરી કરવામાં આવતી હોય છે.
શ્વાનોની ગણતરી માટેનો ખર્ચ અંદાજિત રૂપિયા 5 લાખ : પશુ ડોકટરે વધુમાં જણાવ્યું હતું કે, આ કામગીરી માટે અંદાજિત રૂપિયા 5 લાખનો ખર્ચ થવાની શક્યતાઓ છે. જ્યારે આ કામગીરી અંદાજિત 2થી 3 મહિનામાં પૂર્ણ થઈ જતી હોય છે. તેમજ શહેરમાં શ્વાનોની ગણતરીની કામગીરીને લઈને મનપાને પણ ખ્યાલ આવે છે કે શહેરમાં ખરેખર કેટલા શ્વાનો છે. તેમજ તેના પરથી મનપા દ્વારા શ્વાનોનું ખસીકરણ, હડકવા રસીકરણ સહિતના પ્લાનિંગ પણ કરી શકીએ છીએ. સામાન્ય રીતે ઇન્ટરનેશનલ પદ્ધતિ દ્વારા વિવિધ સંસ્થાઓ દ્વારા શ્વનોની ગણતરી કરવામાં આવતી હોય છે. જેમાં અલગ અલગ એપ્લિકેશન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેના આધારે આ શ્વનોની ગણતરી થઈ છે.
અવારનવાર કરડવાના બનાવો બનતા હોય છે : રાજકોટમાં વધતા શ્વાનોના ત્રાસ મામલે શહેરીજન રાજુ જુંજાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી ઘણી બધી ફરિયાદો જોવા મળી રહી છે કે રખડતા શ્વાનો શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહનચાલકો પાછડ દોડીને તેમને પછાડતા હોય છે. જ્યારે જંગલેશ્વર વિસ્તારમાંથી એક બાળકીને ફાડી ખાવાની ઘટના બની હતી. એવામાં મનપા દ્વારા જે હડકવાની રસી અને ખસીકરણની વાત કરવામાં આવે છે તે માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. તો તેની પણ અમલવારી પણ તાત્કાલિક કરવામાં આવવી જોઈએ. જેના કારણે રખડતા શ્વાનોના કારણે થતા અકસ્માતો અને દુર્ઘટનાઓ ઘટાડી શકાય છે.