કચ્છ: ભારે વરસાદની આગાહીના પગલે સમગ્ર કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે ભુજના નીચાણ વાળા વિસ્તાર ઉમેદનગરમાં ગોઠણ સુમા પાણી ભરાયા છે અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. લોકોની દુકાનમાં અને ઘરમાં પાણી ઘૂસ્યા છે તો દર વર્ષે જ્યારે ભારે થી ભારે વરસાદ પડે છે ત્યારે આ સમસ્યા સર્જાતી હોય છે.
ઉમેદનગરના લોકો અનેક વખત લોકપ્રતિનિધિઓને રજૂઆત કરીને થાક્યા છતાં હજુ સુધી આ સમસ્યાનો નિકાલ આવતો નથી અને ખૂબ પાણી આ વિસ્તારમાં ભરાય છે. આ વિસ્તાર ભુજના હમીરસર તળાવની પાસે જ આવેલું છે ત્યારે જ્યારે પણ હમીરસર તળાવ છલકાય છે ત્યારે ઉમેદનગર વિસ્તારમાં મોટી માત્રામાં પાણી ભરાતું હોય છે અને લોકોને હાલાકી ભોગવવાનો સમય આવતો હોય છે.
પાણીનો નિકાલ કરવા કરાઈ માંગ: આજે સવારથી જ જ્યારે હમીરસર તળાવ છલકાયું ત્યારે આ વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ભુજ નગરપાલિકાના ઉમેદનગર વિસ્તારના વોર્ડના નગરસેવકો તેમજ ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ પણ આ વિસ્તારની મુલાકાત લેવા પહોંચ્યા હતા. તાત્કાલિક રીતે આ પાણી કેમ ઉલચાય તે માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. તો પાણીના વહેણની આસપાસ જ્યાં પણ દીવાલો કે દબાણો ઊભા કરવામાં આવ્યા છે. તે તોડી પાડી અને પાણીનો નિકાલ કરવા માટે વાત કરવામાં આવી છે. તેમજ સ્થાનિકોના જણાવ્યા મુજબ જો ભુજનો હમીરસર તળાવ છલકાઈ ગયો હોય ત્યારબાદ જો એકાદ ફૂટ હમીરસર પાણીનો જથ્થો ઓગન મારફતે નિકાલ કરી નાખે તો સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે.