કચ્છ: હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છના માંડવીમાં ભારે વરસાદ પડ્યો છે અને માંડવીમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઇ છે. તો કચ્છના પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનસેરિયાએ અસરગ્રસ્ત માંડવીની મુલાકાત કરી હતી. પ્રભારી મંત્રીએ બાબાવાડી વિસ્તારની મુલાકાત લીધી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ માંડવીના નીચાણવાળા વિસ્તાર માંથી 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. માંડવી તાલુકામાં છેલ્લા 5 દિવસમાં પડેલા ભારેથી અતિ ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે. માંડવીના નીચાણવાળા વિસ્તારો તેમજ દરિયાકાંઠાના ગામોમાં પ્રભાવિત થયા છે.
કચ્છ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું: ઉલ્લેખનીય છે કે માંડવીમાં ભારે વરસાદની સ્થિતિ જોતા આર્મીની ટીમ તૈનાત કરવામાં આવી છે. આટલું જ નહીં કચ્છ કલેકટર દ્વારા કચ્છના ભયજનક સ્થળોએ પ્રતિબંધ જારી કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કચ્છના 10 તાલુકાના વિવિધ 87 જેટલા સ્થળોને ભયજનક સ્થળો ગણાવી પ્રવેશ કરવા બાબતે પ્રતિબંધાત્મક હુકમ ફરમાવવામાં આવ્યો છે. પ્રવાસન સ્થળોએ વ્યક્તિ/પ્રવાસીઓએ અવરજવર ન કરવા વિશેષ તાકિદ કરવામાં આવી છે તો જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ - 223 મુજબ કાનુની કાર્યવાહી કરવામાં આવશે.
![પાણીના ભયજનક દ્રશ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-08-2024/22332550_o.jpg)
પ્રવાસીઓ પર પ્રવેશ પ્રતિબંધ: ચોમાસાની ઋતુને ધ્યાને લઈ જિલ્લામાં નદી, નાળા, નહેર, કોઝ-વે, જળાશયો અને પાણીનું ભારે વહેણ ધરાવતા ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિ/પ્રવાસીઓએ પ્રવેશ કરવા બાબતે પ્રતિબંધાત્મક હુકમ બહાર પાડવામાં આવ્યો છે. હાલમાં સર્જાયેલ ડિપ ડિપ્રેશનને કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
![આર્મીની ટીમ તૈનાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-08-2024/22332550_t.jpg)
કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ -ચાર દિવસમાં ભારે વરસાદ પડ્યો છે. તેમજ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતા દેખાઈ છે., ભારે વરસાદથી જાન-માલને નુકશાન થતુ અટકાવવા માટે અગમચેતીના પગલા રૂપે પ્રતિબંધાત્મક હુકમ હેઠળના તમામ વિસ્તારો, પ્રવાસન સ્થળોએ વ્યક્તિ/પ્રવાસીઓએ અવરજવર ન કરવા વિશેષ તાકિદ કરવામાં આવી છે.
![દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-08-2024/gj-kutch-10-abdasa-taraji-video-story-7209751_29082024162615_2908f_1724928975_1061.jpg)
વરસાદને પગલે જનજીવન પ્રભાવિત: તો બીજી બાજુ અબડાસા તાલુકામાં વરસાદે તબાહી મચાવી છે. નલિયા-કોઠારા સહિત અબડાસા તાલુકાના અનેક વિસ્તારો અને આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ગામને જોડતા રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે અનેક મકાનોમાં ઘરવખરીને નુકસાન થયું છે.
![કમરડૂબ પાણી ભરાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-08-2024/gj-kutch-10-abdasa-taraji-video-story-7209751_29082024162615_2908f_1724928975_717.jpg)
કચ્છના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે અત્યાર સુધીમાં ચારથી વધુ લોકો પૂરના પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રાહત બચાવની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના વાંકું ગામમાં નદીના પાણી ઘૂસ્યા છે તો અનેક ઘરોમાંથી માણસને ગામ લોકો દ્વારા રેશક્યું કરાયું હતું. તો અબડાસાનું સુથરી ગામ બેટમાં ફેરવાયું હતું. સ્થાનિક નદીના પાણી ગામમાંથી પસાર થતા ગામમા પાણી પાણી ભરાયાં હતાં. દર વર્ષે ચોમાસામાં ગામમા પાણી ભરાય છે. તો આસપાસ પડેલા ભારે વરસાદ બાદ ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.
![દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-08-2024/gj-kutch-10-abdasa-taraji-video-story-7209751_29082024162615_2908f_1724928975_396.jpg)