ગાંધીનગર: ગુજરાતના સરહદી જિલ્લાઓમાંથી અવારનવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. આ બાબતએ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં ગોઠવાયેલા એક કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં મળી આવતા ડ્રગ્સ વિશે પ્રતિક્રિયા આપી હતી.
હર્ષ સંઘવીએ હાજરી આપી: ગુજરાતમાં ગિફ્ટ સિટી ખાતે ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (AICF) અને ફેડરેશન ઇન્ટરનેશનલ ડેસ ઇચેક્સ (FIDE)ની આગેવાની હેઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન (GSCA) દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબ ખાતે પ્રતિષ્ઠિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024 યોજાઈ રહી છે. આ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન અર્થે ગૃહ રાજ્ય અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી.
ડ્રગ્સ સામેની લડાઈ ગુજરાત પોલીસ લડે છે: કાર્યક્રમ દરમિયાન તેમણે રાજ્યમાં પકડાઈ રહેલા ડ્રગ્સ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "ડ્રગ્સનો નશો યુવાનો સુધી ન પહોંચે તે માટે ડ્રગ્સ સામેની લડાઈ ગુજરાત પોલીસ દિવસ-રાત એક કરીને લડે છે. ગુજરાતના પોરબંદર, કચ્છ, દ્વારકા સહિત દરેક જગ્યાએ ગુજરાત પોલીસ અને એટીએસ ડ્રગ સામે જંગ લડે છે. આથી જ્યાં સુધી ડ્રગ સંપૂર્ણ રીતે સાફ ન થાય ત્યાં સુધી આ જંગ ચાલશે. ખાસ કરીને દરેક જિલ્લા યુનિટ ડ્રગ્સ સામેની આ લડાઈ ગંભીરતાથી લડે છે.એટલું જ નહીં પણ ગુજરાતના ખૂણે ખૂણે શહેર, ગામ, અને આંતરરાષ્ટ્રીય સરહદે લડાઈ લડવામાં આવી રહી છે."
ડ્રગ્સ સામે ભુજમાં પ્રતીક ધરણા: વાસ્તવમાં હકીકત એ છે કે, ગુજરાતની દરિયાઈ સીમામાંથી અવારનવાર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ડ્રગની વધતી હેરાફેરી વચ્ચે ડ્રગ્સના રવાડે ચડેલું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા ભુજમાં પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા. જેમણે ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે ગુનેગારો સામે પગલાં લેવા રજૂઆત કરી હતી. કોંગ્રેસના ધારણા સામે હર્ષ સંઘવીએ સરકારનો પક્ષ રજૂ કર્યો હતો.
કોકેઇનના 13 જેટલા પેકેટ ઝડપી પાડયા: ગુજરાત એટીએસની ટીમએ એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ગાંધીધામ તાલુકાના કંડલાથી ખારીરોહર બાજુ જતાં માર્ગ પર ક્રિકેટ મેદાનની પાછળ બાવળની ઝાડીમાં જુદી-જુદી જગ્યાએ કોકેઇનના 13 જેટલા પેકેટ ઝડપી પાડયા હતા. તમને જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેઈનની કિંમત પ્રતિ કિલોગ્રામ 7 થી 8 કરોડ રૂપિયા જેટલી માનવામાં આવી રહી છે. ATSએ સ્થાનિક એસઓજી અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડો પાડીને કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો હતો.
પેકેટમાં સમાનતા જોવા મળી: અહી નોંધનીય બાબત એ છે કે, ખારીરોહર ખાતેથી મળી આવેલા 13 પેકેટ અને અગાઉ સપ્ટેમ્બર 2023માં મીઠીરોહર પાછળ આવેલ દરિયાની ખાડીમાંથી મળી આવેલા 800 કરોડના 80 પેકેટમાં સમાનતા જોવા મળી હતી. આથી સરકારના દાવાઓ કેટલા અંશે સફળ થાય તે આગામી દિવસોમાં સમય જતાં ખબર પડશે.