જુનાગઢ: બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે અને સરકારી નોકરીની સંખ્યા ઘટી રહી છે. તેની સામે ભરતી પ્રક્રિયા પણ વિલંબે મુકાઈ છે જેને કારણે ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા ધરાવતા ઉમેદવારો પણ હવે સામાન્ય અને ખાનગી નોકરી તરફ વળી રહ્યા છે. આજે રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળામાં ડબલ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરેલા ઉમેદવારો સામાન્ય નોકરી મેળવવા માટે લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા.

રોજગાર ભરતી મેળામાં ઉચ્ચ શિક્ષિત ઉમેદવારો: જુનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા આજે જુનાગઢ શહેર અને જિલ્લાના બેરોજગારો માટે ખાનગી કંપનીમાં રોજગારી ભરતી પ્રક્રિયા માટેનું આયોજન થયું હતું. જેમાં જુનાગઢ નજીક અને આસપાસ સ્થિત થયેલી ખાનગી કંપનીના સંચાલકો અને અધિકારીઓ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં અંદાજિત 500 કરતાં વધુ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા બેરોજગાર ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. અને ખાનગી કંપનીમાં તેમને નોકરી મળે તે માટે ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ પોતાનો ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં ડબલ ગ્રેજ્યુએટ અને ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા ઉમેદવારો પણ સામાન્ય નોકરી મેળવવા માટે આવ્યા હતા.

સરકારી નોકરીની શક્યતાઓ ખૂબ ઓછી: વર્તમાન સમયમાં સરકારી નોકરીની શક્યતાઓ દિવસેને દિવસે ઓછી થતી જાય છે. એક તરફ સરકારી ખાલી જગ્યા ઉપર ભરતી થતી નથી જેને કારણે સરકારી નોકરીની અનેક શક્યતાઓ પર પૂર્ણ વિરામ મુકાય રહ્યું છે. આવી પરિસ્થિતિમાં દિવસે અને દિવસે શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં પણ સતત વધારો થતો જાય છે. સરકારમાં જેટલી જગ્યા છે, જે જગ્યા પર નિમણૂક માટેની પ્રક્રિયા થવાની તે સમયસર થઈ રહી નથી. પરંતુ અનેક શિક્ષિત બેરાજગારો કે જે સરકારી નોકરીની રાહ જોઈને બેઠા હોય છે તે તમામ હવે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત હોવા છતાં પણ સામાન્ય અને ખૂબ જ ઓછા પગારે ખાનગી કે જાહેર ક્ષેત્રની કંપનીઓમાં કામ કરવા માટે આગળ વધી રહ્યા છે. જેની પાછળ સરકારી નોકરીની સંખ્યામાં ઘટાડો અને સમય વહેતા સરકારી ભરતી પ્રક્રિયા થતી નથી તેને કારણે શિક્ષિત બેરોજગારો પોતાની લાયકાત કરતા પણ નીચા પદની નોકરી સ્વીકારીને કામ મેળવવા માટે મનોમંથન કરી રહ્યા છે.