જૂનાગઢ: રંગોળીનો ઇતિહાસ આજથી 10,000 વર્ષ પૂર્વેનો માનવામાં આવે છે. આ 64 પ્રકારની કળાઓમાં રંગોળીને પ્રથમ કળા તરીકે સમગ્ર વિશ્વએ સ્વીકારી છે. જે તે દેશોની સંસ્કૃતિ આધારે રંગોળી કરવામાં આવતી હોય છે ત્યારે જૂનાગઢના કલાકાર રજનીકાંત અગ્રાવત દ્વારા નવયુવાન કલાકારોને રંગોળી અંગેની ટિપ્સ આપીને દિવાળીના સમયમાં કેવી રીતે રંગોળી કરી શકાય તે માટેની સમજણ આપી હતી.
10 હજાર વર્ષ જૂની રંગોળી કળા: દિવાળીના તહેવારોમાં પ્રત્યેક ઘરના આંગણામાં રંગોળી સજાવેલી જોવા મળતી હોય છે. આ રંગોળી કળા 10 હજાર વર્ષ પૂર્વેની હોવાનું માનવામાં આવે છે. ભારતમાં પણ રંગોળીનો ઇતિહાસ ખૂબ ઉજવળ જોવા મળે છે. એવું કહેવાય છે કે રામાયણ કાળથી શબરી દ્વારા ભગવાન રામ તેમના ઘરે આવે તે માટે દરરોજ ઘરના આંગણામાં ફૂલો દ્વારા રંગોળી કરવામાં આવતી હતી, ત્યારથી ભારતમાં રંગોળી કરવાની એક પરંપરા શરૂ થઈ હશે તેવું માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં 64 જાતની કળાઓને શ્રેષ્ઠ માનવામાં આવી છે, જેમાં સૌથી પ્રથમ નંબરે રંગોળીની કળાને રાખવામાં આવી છે.
જૂનાગઢના કલાકારે આપી રંગોળી લક્ષી ટીપ્સ: પાછલા ઘણા વર્ષોથી રંગોળી ક્ષેત્રે જોડાયેલા જૂનાગઢના ખ્યાતનામ કલાકાર રજનીકાંત અગ્રાવત દ્વારા રંગોળી કળાને લઈને નવી પેઢીના યુવાન કલાકારોમાં રંગોળી પ્રત્યે એક જુસ્સો ઉભો થાય તે માટે રંગોળી શીખવા માગતા નવયુવાન કલાકારોને ચિરોડી કલરથી થતી રંગોળીની ટીપ્સ આપવાની શરૂઆત કરી છે. સામાન્ય રીતે દિવાળીના દિવસો દરમિયાન પ્રત્યેક ઘરના આંગણામાં વિવિધ પ્રકારે કલર ફૂલ અને પાંદડાઓનો ઉપયોગ કરીને રંગોળી બનાવવામાં આવતી હોય છે, તેને ધ્યાને રાખીને રંગોળી કળામાં આગળ વધવા માગતા નવયુવાન કલાકારો માટે રંગોળી ટિપ્સનો એક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં કેટલાક તરવરિયા યુવાનોએ ભાગ લઈને રંગોળી લક્ષી માહિતી પ્રાપ્ત કરી હતી.
રંગોળીને કારણે મહાભારતનું યુદ્ધ: રંગોળીને કારણે મહાભારતનું યુદ્ધ થયું હોવાની પણ એક લોકવાયકા પ્રચલિત છે. આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે પાણી પર તરતી રંગોળી કરવામાં આવતી હતી. તે જ પ્રકારે પાણી પર પાંડવો દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી. જેમાં દુર્યોધન અકસ્માતે પડ્યો હતો. ત્યારથી મહાભારત યુદ્ધના મંડળ થયા હોવાની લોકવાયકા પણ પ્રચલિત છે.
તેવી જ રીતે દક્ષિણ ભારતના તમામ રાજ્યો અને મહારાષ્ટ્રમાં પણ પ્રતિદિન ઘરના આંગણામાં રંગોળી બનાવવાની એક વિશેષ પ્રથા આજે પણ જોવા મળે છે. આ રંગોળી ઘરમાં આયોજિત થતા સારા કે માઠા પ્રસંગોને ઉજાગર પણ કરે છે. કોઈપણ ઘર કે પરિવારમાં સારો કે માઠો પ્રસંગ બન્યો હોય તેને અનુરૂપ રંગોળી કરવામાં આવે છે. જેથી કોઈપણ વ્યક્તિને ઘરમાં કેવા પ્રકારનો પ્રસંગ છે તેની માહિતી પણ રંગોળીના માધ્યમથી મળે છે.
આ પણ વાંચો: