અમદાવાદ: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારોની અંદર ફટાકડાનો ભરપૂર સ્ટોક જોવા મળી રહ્યો છે. આ વખતે બાળકો માટે ફટાકડાની અવનવી વેરાઈટી બજારમાં જોવા મળી રહી છે. જેમાં 40 રૂપિયા થી લઈને 1500 રૂપિયા સુધીની વેરાયટીઓ જોવા મળી રહી છે. ત્યારે બીજી બાજુ ફટાકડાના ભાવમાં પણ 30 થી 40% નો વધારો જોવા મળી રહ્યો છે.
સીઝનલ સ્ટોર ધમધમ્યા, ફટાકડાનો ભરપૂર સ્ટોક: દિવાળીનો માહોલ જાણવા અને ફટાકડામાં આવેલી અવનવી વેરાઈટીઓ જાણવા માટે ઈટીવી ભારતની ટીમ અમદાવાદના દિલ્હી દરવાજા ખાતે આવેલા સીઝનલ સ્ટોરની બજારમાં પહોંચી હતી. ત્યાં સીઝનલ સ્ટોરના સંચાલકો અને વિક્રેતાઓ સાથે વાત કરી અને ફટાકડાની માર્કેટ વિશે નવા ફટાકડાની વેરાઈટી અને ભાવ વિશે માહિતી મેળવી હતી.
ફટાકડામાં નવી વેરાયટી: ફટાકડા વિક્રેતા તેજસ પવાર ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવે છે કે, આ વખતે સામાન્ય જેટલી વેરાઈટીના ફટાકડા આવતા હોય તે જ વેરાઈટીના ફટાકડા અત્યારે જોવા મળી રહ્યા છે. ચકરી, આંબો, ફુલઝરી, રોકેટ, બંદૂક સહિત બાળકો માટે અવનવા વેરાઈટીના ફટાકડા અત્યારે બજારમાં જોવા મળી રહ્યા છે.
લગભગ 12 થી 15 પ્રકારના ફેન્સી ફટાકડા: અન્ય એક ફટાકડા વિક્રેતા જયશ્રીબેન જણાવે છે કે, આ વખતે બજારમાં બાળકો માટેના ફેન્સી ફટાકડા વધારે જોવા મળી રહ્યા છે હેલિકોપ્ટર, પપ્પુ શાવર, ગોલ્ડ રૈન, કુકડુ કૂ, રેડ બ્લૂમ સહિતનાં ફટાકડાની ધૂમ જોવા મળી રહી છે, નવા ફટાકડાની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ વખતે ડ્રોન સહિતનાં લગભગ 12 થી 15 પ્રકારના ફેન્સી ફટાકડા આવ્યા છે.
30 થી 40% ફટાકડાના ભાવમાં વધારો અને મંદી: આ વખતે બજારોમાં લગભગ ફટાકડાની 250 થી વધુ વેરાઈટીઓ જોવા મળી રહી છે. જેમાં ફુલઝર, રોકેટ અને શંભુથી લઇને લક્ષ્મી બોમ્બ અને ફેન્સી ફટાકડાનો સમાવેશ થાય છે. દર વર્ષે ફટાકડાના ભાવમાં 5થી 10 ટકાનો વધારો જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે વધુ વરસાદ અને ગ્રીન ફટાકડાના ભાવમાં 30 થી 40 ટકા જેટલો વધારો થયો છે. વધુમાં તેજસ પવારે જણાવ્યું હતું કે આ વખતે વરસાદનો માર પણ રહ્યો છે, તો બીજી બાજુ પરીક્ષા મોડી થવાને કારણે બાળકોનું વેકેશન મોડું પડ્યું છે આથી અત્યાર સુધી ફટાકડા બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
બાળકો માટે અવનવી વેરાઈટીના ફટાકડા: દિલ્હી દરવાજા સ્થિત ફટાકડા બજારમાં ફટાકડાના વિક્રેતા મોસીન શેખ ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવે છે કે, આ વખતે બાળકો માટે અવનવી વેરાઈટીના ફટાકડા માર્કેટમાં જોવા મળી રહ્યા છે. ત્યારે મોટા લોકો માટે જે બોમ્બ અને અન્ય આતિશબાજીના ફટાકડા સામાન્ય રીતે આવતા હોય છે તે જ બજારમાં અત્યારે જોવા મળી રહ્યા છે.
મોસીનભાઈ ચિંતા વ્યક્ત કરતા જણાવે છે કે અંદાજે 10 થી 15 લાખનું આ ફટાકડામાં અમે રોકાણ કરેલું છે દિવાળી આડા હવે માત્ર પાંચ દિવસ બાકી છે તો પણ બજારમાં મંદી જોવા મળી રહી છે જો માહોલ આવો જ રહ્યો તો રોકાણ કરેલા પૈસા પણ ઉભા થાય કે ન થાય તે ચિંતા સતાવી રહી છે.