જુનાગઢ: ભારત વિકાસ પરિષદ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો મોંઘવારીના સમયમાં પણ ભણી શકે તે માટેનો એક આદર્શ પ્રયાસ શરૂ કરાયો છે. પાછલા ત્રણેક વર્ષથી આ જ પ્રકારે વેકેશન ખુલવાના સમય દરમિયાન ફુલ સ્કેપ નોટબુક બિલકુલ રાહત દરે વિતરણ કરવામાં આવી રહી છે જે ફુલસ્કેપ નોટબુક ની બજાર કિંમત 40 થી 50 રૂપિયા જોવા મળે છે તેવી નોટબુક એકદમ રાહત દરે એટલે કે 20 રૂપિયા પ્રતિ બુકના દરે વહેંચવામાં આવી રહી છે. પાછલા ત્રણ દિવસથી આ અભિયાન શરૂ થયું છે. પ્રતિદિન 20,000 કરતાં વધારે નોટબુકનું વેચાણ પણ થઈ રહ્યું છે. વિકાસ પરિષદના શિક્ષણ મહાયજ્ઞને ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ પણ આવકારી રહ્યા છે અને નોટબુક ખરીદવા માટે રીતસર લાઈન લગાવતા જોવા મળે છે.
મોંઘવારીમાં શિક્ષણમાં રાહત આપવાનો પ્રયાસ: ભારત વિકાસ પરિષદ દ્વારા મોંઘવારીના આ સમયમાં પૈસાદાર વર્ગના બાળકો કોઈપણ કિંમતે શિક્ષણ અને શિક્ષણને લગતી સામગ્રી ખરીદી શકવા માટે સક્ષમ હોય છે પરંતુ મધ્યમ અને ખાસ કરીને ગરીબ વર્ગના પરિવારના બાળકો કે જે શિક્ષણની ફી થી લઇ અને પુસ્તકો અને નોટબુકો ખરીદવા માટે ખૂબ જ મુશ્કેલીમાં મૂકાતા હોય છે. આવા સમયે નોટબુકના ખર્ચમાં ગરીબ વર્ગના પરિવારોને રાહત થાય અને તેમના સંતાનો ઓછા ખર્ચે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે આયોજન કરાયું છે. પાછલા ત્રણ વર્ષથી સતત આયોજન થઈ રહ્યું છે. આગામી વર્ષોમાં પણ આ જ પ્રકારે વેકેશન પૂર્ણ થવાના દિવસોમાં ભારત વિકાસ પરિષદ દ્વારા આ જ પ્રકારે રાહત દરે નોટબુક વિતરણ કરવાનું શિક્ષણ મહાયજ્ઞ ચાલુ રાખવાની નેમ પણ વ્યક્ત કરાય છે.