ગાંધીનગર : ગુજરાતમાં વકરી રહેલી બેરોજગારી અંગે વિપક્ષે વિધાનસભામાં સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ગુજરાતમાં બેરોજગારીને કારણે યુવાનો યુદ્ધગ્રસ્ત દેશોમાં જવામાં મજબૂર છે. રોજગારી મેળવવા ગયેલા સુરતના યુવાને રશિયા-યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવ્યો છે. કેટલાક યુવાનો રશિયામાંથી ભાગીને પરત આવ્યા છે. ગુજરાતના યુવાનો યુદ્ધગ્રસ્ત ઇઝરાઇલમાં પણ કામ કરવા માટે મજબૂર છે.
વિધાનસભામાં વિપક્ષનો આક્ષેપ : ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સભ્ય અર્જુન મોઢવાડિયાએ સરકાર પર બેરોજગારીના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુજરાતના યુવાનોને પૂરતી રોજગારી મળતી નથી. તેથી તેઓને હૈદરાબાદ, પુણે, બેંગ્લોર અને દિલ્હી જેવા શહેરમાં જવું પડે છે. શિક્ષણના ખાનગીકરણના કારણે ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી ગયું છે. રાજ્યમાં કાર્યરત મોટાભાગની યુનિવર્સિટીઓમાં વૈશ્વિક કક્ષાના પ્રોફેસરોની અછત છે. સાયબર ક્રાઇમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભવિષ્યમાં મોટા પડકારો ઊભા કરશે.
અર્જુન મોઢવાડિયાએ ચિંતા વ્યક્ત કરી : શિક્ષિત બેરોજગાર યુવાનોની આવી હાલત ગુજરાત માટે મોટો પડકાર છે. ગુજરાતમાંથી લોકો જીવના જોખમે રોજગારી મેળવવા વિદેશ જાય છે. રોજગારી મેળવવા માટે રશિયા ગયેલા યુવકનો યુક્રેન યુદ્ધમાં જીવ ગયો છે. યુદ્ધગ્રસ્ત ઇઝરાઇલમાં પણ બેરોજગાર યુવાનો રોજગારી માટે જવા તૈયાર છે. મારા વિસ્તારના અનેક લોકો યુદ્ધગ્રસ્ત ઇઝરાઇલમાં કામ કરવા માટે જવા તૈયાર છે.
ભારતીય પ્રતિભા પર નિવેદન : અર્જુન મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે, દેશમાં આઈટી અને ટેકનોલોજી લાવવાનો શ્રેય પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને ટેકનોક્રેટ સામ પિત્રોડાને જાય છે. રાજીવ ગાંધીએ જ્યારે કમ્પ્યુટર યુગની વાત કરી ત્યારે બેંકોમાં હડતાળ પડી હતી. વિપક્ષના નેતાઓ બળદ ગાડું લઈને સંસદમાં કોમ્પ્યુટર યુગનો વિરોધ કરવા આવ્યા હતા. આજે દુનિયામાં ભારતમાં આઇટી પ્રોફેશનલની ખૂબ સારી માંગ છે. અમેરિકાના સીલીકોન વેલીમાં ભારતીયોની બોલબાલા છે.