જુનાગઢ: સંતો જગતમાં આવે છે અને મોટા કર્યો કરીને જાય છે. પરંતુ તે સાથે તેઓ તેમના પદચિન્હો તેમના અનુયાયીઓના સ્વરૂપમાં પાછળ છોડીને જાય છે. આવી જ એક વાત છે જૂનાગઢના વિનુભાઈ ગોહિલની. ગુરુના પંથે ગરીબ લોકોની સેવા કરીને શક્ય તેટલું મદદરૂપ બની શકાય તે માટે રાધેશ્યામજી અલગારી સંત દ્વારા બતાવેલા પંથે શિષ્ય વિનુભાઈ ગોહેલ ચાલી રહયા છે અને ગુરુના આદેશનું પાલન કરી રહ્યા છે.
ગુરુના પગલે ગરીબોની સેવા: ગુરુ દ્વારા બતાવેલા પંથ પર આગળ વધતા વિનુભાઈ ગરીબોની સેવા તેમજ શક્ય બને ત્યાં સુધી તેમને મદદગાર થાય તેવી કામગીરી કરી રહ્યા છે. આમ તેઓ પાછલા પાંચ વર્ષથી ગિરનાર દરવાજા વિસ્તારના 12 અતિ ગરીબ પરિવારોને પ્રતિ દિવસે વિનામૂલ્યે દૂધની સેવા પૂરી પાડીને તેમના ગુરુ અલગારી સંત રાધેશ્યામજીના આદેશનું પાલન કરી રહ્યા છે. મોંઘવારીના આ સમયમાં ગરીબ પરિવારોના બાળકો દૂધ વગર ન રહે તે માટે વિનુભાઈ ગોહેલ તેમના ગુરુના પ્રસાદ રૂપે 12 ગરીબ પરિવારોને દૂધ વિતરણ કરી રહ્યા છે.
અલગારી સંત રાધેશ્યામજી પેંડાનો પ્રસાદ આપતા: જૂનાગઢના અલગારી સંત રાધેશ્યામજી કે જે ગિરનારની તળેટીમાં રહેતા હતા, તે પ્રત્યેક વ્યક્તિને પેંડાનો પ્રસાદ આપીને રાધેશ્યામ બોલતા હતા. બિલકુલ તેમના પગલા પર ચાલીને આજે તેના શિષ્ય વિનુભાઈ ગોહેલ પણ ગુરુના પ્રસાદ રૂપે ગરીબોને દૂધ અર્પણ કરી રહ્યા છે. વધુમાં કોઈ તહેવાર, શુભ પ્રસંગ કે કોઈ અન્ય દાતાઓ દ્વારા આર્થિક સહાય મળે તો તેમાંથી પ્રસંગોને અનુરૂપ મીઠાઈ, શાક, પુરી, ફળ સહિત કેટલીક ચીજ-વસ્તુઓ પણ આ ગરીબ પરિવારને વિનામૂલ્યે આપી રહ્યા છે.
તેમનો આ ક્રમ છેલ્લાં પાંચ વર્ષથી સતત જળવાઈ રહ્યો છે. જે ગરીબ પરિવારો માટે આશીર્વાદ સમાન બન્યો છે. વિનુભાઈ પોતે માને છે કે, આટલી મોંઘવારીમાં ગરીબ પરિવાર 60 રૂપિયા લીટર દૂધ ખરીદી શકે તેવી સ્થિતિમાં હોતો નથી, ઉપરાંત ઘરમાં નાના બાળકો હોય છે જેમને આ પોષક તત્વોની ખૂબ જરૂર હોય છે. આથી આ તમામ પરિસ્થિતિને ધ્યાને રાખીને તેમના દ્વારા દાતાઓના સહયોગથી આ સેવા અભિયાન પાંચ વર્ષથી ચલાવી રહ્યા છે.