કચ્છઃ નવરાત્રીના નવલા નોરતાને હવે માત્ર 15 જેટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે કુંભાર દ્વારા વિવિધ વેરાયટીઓના ગરબા બનાવવામાં આવ્યા છે અને હજુ માટીના ગરબા બનાવવામાં કુંભાર વ્યસ્ત થયા છે. શ્રાવણ માસ પૂર્ણ થતાં જ કુંભારની સાથે પરિવારના તમામ સભ્યો ગરબા બનાવવામાં જાેડાઈ જાય છે. આ વર્ષે કુંભાર દ્વારા વિવિધ વેરાયટીઓમાં ગરબા બનાવવામાં આવ્યા છે,જેમાં ખાસ કરીને 3 થી 4 સાઇઝના ગરબા, કલરવાળા ગરબા અને વિવિધ ડિઝાઈન સાથે સુશોભન વાળા ગરબા બનાવવામાં આવ્યા છે.
દર વર્ષે કુંભાર દ્વારા પણ ગરબાની પેટર્નમાં કંઇક અનોખું
માનતા પ્રમાણે જેના ગર્ભમાં સમગ્ર સંસાર વસે છે એટલે કે તે ગરબો. નવરાત્રીના 9 દિવસ દરમિયાન માતા આધ્યશક્તિની આરાધના કરી સમગ્ર વર્ષ ભક્તો શાંતિ અનુભવે છે, ગરબામાં કરવામાં આવતા છીદ્રોથી ગરબા અંદર રાખવામાં આવેલા દીવા થકી સમગ્ર ઘરમાં પ્રકાશ ફેલાય છે. વર્ષો જૂની પરંપરા મુજબ કુંભાર માટીના ગરબા ચાકડા પર બનાવે છે. કુંભાર ચાકડો ચલાવી માટીને ટીપીને આકાર આપે છે. તેમજ દર વર્ષે કુંભાર દ્વારા પણ ગરબાની પેટર્નમાં કંઇક અનોખું કરવામાં આવતું હોય છે, જેની માંગ પણ મહિલાઓ દ્વારા વધારે રહેતી હોય છે.
![કુંભારોએ બનાવ્યા અવનવા ગરબા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-09-2024/gj-kutch-01-matina-garba-video-story-7209751_17092024131139_1709f_1726558899_946.jpg)
માટીના ગરબાનું લોકોમાં મહત્વ હજુ પણ અકબંધ
જુદી જુદી પેટર્ન અને ડિઝાઈનર ગરબાની સામે માટીના ગરબાનું લોકોમાં મહત્વ હજુ પણ અકબંધ જ છે. નવરાત્રિના પર્વે માતાજીના સ્થાનકો, માતાના મઢ અને માં આશાપુરા અને અંબાજીના મંદિરોમાં વિધિવત ઘટસ્થાપન કર્યા બાદ લોકો પોતાના ઘરે પણ ગરબા સ્થાપિત કરતા હોય છે અને આ ગરબાનું પણ મહત્વ કંઈક અનોખું છે.
![કુંભારોએ બનાવ્યા અવનવા ગરબા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-09-2024/gj-kutch-01-matina-garba-video-story-7209751_17092024131139_1709f_1726558899_1004.jpg)
1 માસ અગાઉથી જ ગરબા બનાવવાનું શરૂ
હાલમાં ભુજમાં 7મી પેઢી તરીકે કુંભાર તરીકે માટીકામ કરતા અબ્દ્રેમાન અલીમામદ કુંભાર પરંપરાગત રીતે પેઢી દર પેઢીથી માતાજીના ગરબા, માટલા, કોડીયા, દીવા બનાવવાના વારસાગત વ્યવસાયમાં સંકળાયેલ છે. શહેરના શ્રમિક કુંભાર પરિવારના સભ્યો નવરાત્રિના ગરબાના સંભવિત મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે 1 માસ અગાઉથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને માતાજીના ગરબા બનાવવામાં વ્યસ્ત થઈ જતાં હોય છે.
![કુંભારોએ બનાવ્યા અવનવા ગરબા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-09-2024/gj-kutch-01-matina-garba-video-story-7209751_17092024131139_1709f_1726558899_432.jpg)
કઈ રીતે તૈયાર થાય છે ગરબા?
કુંભાર દ્વારા હરીપર પાસેના તળાવની માટી લાવવામાં આવે છે અને માટીની ટીપી તેને ગરબાનો આકાર આપવામાં આવે છે ત્યાર બાદ તેને સૂકવવામાં આવે છે. ગરબો સુકાવ્યા બાદ તેને ફરી ટીપવામાં આવે છે.ત્યાર બાદ તેને ભઠ્ઠીમાં શેકવામાં આવે છે. ભઠ્ઠીમાં શેક્યા બાદ તેને તડકામાં સુકાવામાં આવે છે અને ત્યારબાદ તેમાં કાણા કરી વિવિધ રંગો ભરે સુશોભિત કરવામાં આવે છે.આ રંગો પણ પર્યાવરણને નુકસાન ના કરે તેમ જ કોઈ મહિલાઓના હાથમાં ના લાગે તેવા રંગો હોય છે. ગરબાને કલરકામ કર્યા બાદ તેને વિવિધ પેન્ટ દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે તેમજ આભલા અને મીરરવર્ક દ્વારા સુશોભિત કરવામાં આવે છે.આમ 2થી 3 દિવસમાં ગરબા તૈયાર કરવામાં આવે છે.
![કુંભારોએ બનાવ્યા અવનવા ગરબા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-09-2024/gj-kutch-01-matina-garba-video-story-7209751_17092024131139_1709f_1726558899_655.jpg)
વધુ વરસાદના કારણે માટીનો જથ્થો ઓછો મળ્યો
માટીકામના કલાકારો એવા કુંભાર તેમની આંગળીના ટેરવે ટીપણીથી ટીપીને કોડિયા, ગરબા અને દિવેટીયાને અવનવા મનોહર આકારો આપે છે. કુંભારવાડામાં કુંભાર દ્વારા તૈયાર કરાતા માટીના ગરબાની સારી એવી માંગ જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે વધુ વરસાદના કારણે માટીનો જથ્થો ઓછું મળ્યું છે જેથી કુંભાર દ્વારા ઓછા પ્રમાણમાં ગરબા બનાવવામાં આવ્યા છે.આ કુંભાર દ્વારા 3000 જેટલા ગરબા બનાવવામાં આવ્યા છે. ત્યારે કુંભારને આ કળા ટકાવી રાખવા માટે સરકારી સહાયની પણ જરૂરત છે તેવું કુંભારે જણાવ્યું હતું.
![કુંભારોએ બનાવ્યા અવનવા ગરબા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-09-2024/gj-kutch-01-matina-garba-video-story-7209751_17092024131139_1709f_1726558899_529.jpg)
મુસ્લિમ ભાઈઓ દ્વારા બનાવાય છે માતાજીના ગરબા
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ગરબા બનાવતા તમામ કુંભારો મુસ્લિમ સમાજના છે અને તેઓ દર વર્ષે ભારે ઉત્સાહ અને મહેનતથી હિન્દુઓના તહેવારો માટે ગરબા અને દીવડાઓ બનાવે છે જે કચ્છની કોમી એકતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. નવરાત્રિ મહોત્સવ દરમિયાન પરંપરાગત માટીના ગરબાના વેચાણ કેન્દ્રોમાં ડિઝાઈનર ગરબાની પણ સારી એવી માંગ જોવા મળતી હોય છે. આ ઉપરાંત આ વખતે ગરબા રાખવા માટે હિંડોળી પણ કુંભાર દ્વારા તૈયાર કરવામાં આવી છે.
![કુંભારોએ બનાવ્યા અવનવા ગરબા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-09-2024/gj-kutch-01-matina-garba-video-story-7209751_17092024131139_1709f_1726558899_387.jpg)
50 રૂપિયાથી 150 રૂપિયા સુધીમાં ગરબા
કુંભાર દ્વારા ગત વર્ષે સેમ્પલ પૂરતા બનાવવામાં આવેલ કટિંગવાળા નવા ગરબા જે ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તે આ વર્ષે પણ નવરાત્રી પહેલા બનાવવામાં આવશે પરંતુ વરસાદના કારણે હજુ સુધી બનાવી શકાયા ના હોવાનું જણાવવામાં આવ્યું હતું. ગરબાના ભાવ આ વર્ષે 50 રૂપિયાથી 150 રૂપિયા સુધીમાં બજારમાં જોવા મળશે. કુંભાર અબ્દ્રેમાન અલીમામદએ જણાવ્યું હતું.