જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ સમય દરમિયાન શિવભક્તો દ્વારા મહાદેવની વિશેષ પૂજા અને અર્ચન કરવામાં આવતું હોય છે. મહાદેવ પર માત્ર અભિષેક કરવાથી જ તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. ત્યારે જૂનાગઢથી 20 કિલોમીટર દૂર આવેલા ધૂળેશ્વર મહાદેવ અનન્ય આસ્થાનું કેન્દ્ર પણ બન્યું છે.
ધૂળેશ્વર મહાદેવ : અહીં મહાદેવ પર ચપટી ધૂળનો અભિષેક કરવાથી જ મહાદેવની કૃપા પ્રત્યેક શિવભક્ત પર ઉતરે છે. દેવાયત પંડિતના સમયમાં અને અંદાજિત ઈ.સ 1500 માં મહાદેવની ઉત્પત્તિ થઈ હોવાની પણ ધાર્મિક લોક વાયકા છે. દેવાયત પંડિતની ગાય દ્વારા અહીં મહાદેવ બિરાજમાન છે તેવી આગમવાણી દેવાયત પંડિતને થતા અહીં ટેકરાની ધૂળમાંથી મહાદેવ પ્રાગટ્ય થયા હતા. ત્યારથી અહીં ધૂળેશ્વર મહાદેવની પૂજા થઈ રહી છે.
ચાર ગામના મેળાપે મહાદેવ : ધૂળેશ્વર મહાદેવ ધંધુસર, બરવાળા, બાલોટ અને નવલખી ગામના ચતુર્થ સંગમ સ્થળે બિરાજી રહ્યા છે. આજે જે જગ્યા પર મહાદેવનું નાનું મંદિર બિરાજમાન છે, તે ખેડૂત ખાતેદારની જમીનમાં આવે છે. ચારે તરફ મગફળીનું વાવેતર થયું છે. પરંતુ ઇ.સ 1500 પૂર્વે સ્થાપિત થયેલા ધૂળેશ્વર મહાદેવ આજે પણ લોકોની અનન્ય આસ્થાનું કેન્દ્ર પણ બને છે.
ચપટી ધૂળની માનતા : આજે પણ લોકો અહીં ચપટી ધૂળની માનતા કરીને તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે. આજે પણ મંદિરમાં કોઈ પૂજારી નથી, 24 કલાક કોઈપણ વ્યક્તિ તેમના સમય અનુસાર મહાદેવના દર્શન કરી અને ચપટી ધૂળનો અભિષેક કરી શકે, તે માટે 24 કલાક મંદિર ખુલ્લું જોવા મળે છે. ગામના લોકો દ્વારા અહીં સેવા પૂજાનું કામ કરવામાં આવે છે.