કચ્છ : કચ્છ જિલ્લામાં હાલ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા કોમર્શિયલ દબાણ સાથે ધાર્મિક સ્થળના દબાણ હટાવવામાં આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ કચ્છના કાળા ડુંગર વિસ્તારમાં આવતા અડચણ રૂપ દબાણ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યા હતા. તો સાથે જ આ વિસ્તારમાં આવેલ બે મદ્રેસાને પણ તોડી પાડવામાં આવ્યા હતા.
અબડાસામાં દબાણ હટાવ ઝુંબેશ : આજે અબડાસા તાલુકામાં બે ધાર્મિક સ્થળ સહિતના દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. અબડાસા તાલુકાના ભંગોરીવાઢ ખાતે આવેલ 2 દરગાહ તોડી પાડવામાં આવી હતી. તો સાથે જ 2 પાણીનાં ટાંકા પણ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ વહીવટી તંત્ર દ્વારા આ મામલે નોટિસ પણ આપવામાં આવી હતી.
બે દરગાહ પર બુલડોઝર ફર્યું : અબડાસા સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ સાલેમામદ પઢિયારે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, વર્ષો જૂની દરગાહ કે જે ખાલી જગ્યા પર હતી તેના દબાણ દૂર કરવા વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ દબાણો દૂર કરવા માટે પૂરતો સમય ના મળ્યો અને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.
વહીવટી તંત્રની કાર્યવાહી : આ દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન SDM, મામલતદાર, Dysp અને CPI સહિત આસપાસના પોલીસ મથકનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. જેમાં 1 PI, 4 PSI અને 55 જેટલા પોલીસ કોન્સ્ટેબલને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. ETV Bharat એ વધુ માહિતી મેળવવા SDM કે. જે. વાઘેલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંર્પક થઈ શક્યો ન હતો.