સુરત: સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીનમાં ગણોતીયા તરીકે ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 2000 કરોડના કથિત કૌભાંડ કેસમાં સસ્પેન્ડેડ કલેકટર આયુષ ઓક સહિત જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ ખેડૂતના અગ્રણી અને કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા ગુજરાત લાંચરુશવત વિરોધી શાખાના મુખ્ય નિયામક સહિત અલગ અલગ વિભાગોમાં લેખિતમાં ફરિયાદ કરી રજૂઆત કરવામાં આવી છે.
કૃષ્ણ મુખલાલ ભગવાનદાસનું નામ દાખલ: સુરતના ડુમસ ખાતે આવેલ સર્વે નંબર 311/3 વાળી સરકારી શિર પડતર જમીનમાં ગણોતીયા તરીકે કૃષ્ણ મુખલાલ ભગવાનદાસનું નામ દાખલ કરવા કલેકટર આયુશ ઓક દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. જે સરકારી જમીનમાં ગણોતીયા તરીકેના ઠરાવ સામે વર્ષ 2015 જે તે સમયના તત્કાલીન કલેકટર રાજેન્દ્ર કુમાર દ્વારા તે હુકમ માટે મનાઈ ફરમાવવામાં આવ્યો હતો. જે હુકમ રદ કરી સુરતના તત્કાલિન કલેકટર આયુષ ઓક દ્વારા ખાનગી વ્યક્તિ કૃષ્ણ મુખલાલ ભગવાનદાસનું નામ દાખલ કરવા હુકમ કરાયો હતો.
2 હજાર કરોડનું કૌભાંડ: સરકારી જમીનમાં ખાનગી વ્યક્તિનું ગણોતીયા તરીકે નામ દાખલ કરી શકાતું નથી, તેવો સ્પષ્ટ સરકારી નિયમ છે. છતાં તત્કાલીન કલેકટર આયુષ ઓક દ્વારા કરોડોની સરકારી જમીનમાં ગણોતીયા તરીકે ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરી 2 હજાર કરોડનું કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ ધારાસભ્ય તુષાર ચૌધરી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયક દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને કરવામાં આવી હતી.
કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ: રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે તપાસના આદેશ આપી તત્કાલીન કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ તત્કાલીન કલેકટર આયુષ ઓક દ્વારા કરાયેલા હુકમ સામે સ્ટે ફરમાવી દેવામાં આવ્યો હતો અને ઊંડાણપૂર્વકની તપાસ સોંપવામાં આવી હતી. કલેકટરને સસ્પેન્ડ કર્યા હોવા છતાં હજી સુધી તેઓ દ્વારા કરાયેલા અન્ય હુકમો અને મિલકત સંબંધી તપાસ કરવામાં આવી નથી. જેથી આ મામલે ખેડૂત અગ્રણી અને કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી શાખાના મુખ્ય નિયામક સહિત અલગ અલગ વિભાગમાં લેખિતમાં વધુ એક ફરિયાદ કરવામાં આવી છે.
ભ્રષ્ટાચાર મુક્ત ભારત: ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે હમણાં સુધી સુરત જિલ્લા કલેકટર તરીકેના કાર્યકાળ દરમિયાન જેટલા પણ હુકમ તેઓ દ્વારા કરવામાં આવ્યા છે. તેની ઝીણવટ ભરી રીતે તપાસ કરવામાં આવે. આ સાથે તેમના કોલ ડીટેલ્સની પણ તપાસ થાય અને જે કોઈ રાજકીય માથાઓની સંડોવણી હોય તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. સરકાર એક તરફ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરી રહી છે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સરકાર તરફથી જાહેરાતો કરવામાં આવે છે. જોકે આ ઘટનામાં કરોડોનું કૌભાંડ થયું હોવા છતાં હજી સુધી કલેક્ટર અને અન્ય જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવ્યા નથી. જે અંગે તાત્કાલિક ધોરણે તપાસ કરી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ દર્શન નાયક દ્વારા કરવામાં આવી છે.