જૂનાગઢઃ આજે દિલ્હી વિધાનસભામાં વર્ષ 2024/25નું નાણાકીય અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી રાજ્ય સરકારે દિલ્હીમાં રહેતી મહિલાઓને પ્રતિ માહ 1000 રુપિયાની સહાયક રાશિ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને આમ આદમી પાર્ટી પ્રદેશના મહિલા પ્રમુખ રેશમા પટેલે આવકાર આપ્યો છે.
રેશમા પટેલે આવકાર આપ્યોઃ દિલ્હીની કેજરીવાલ સરકારની પ્રતિ માહ 1000 રુપિયાની સહાયક રાશિ દિલ્હીની મહિલાઓને મળશે તે જાહેરાતને રેશમા પટેલે વધાવી લીધી છે. રેશમા પટેલે કહ્યું કે, દિલ્હીની સરકારે મહિલાઓની ચિંતા કરીને તેને આર્થિક રીતે પગભર કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ભાજપ પર વાકપ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારો મહિલાઓને અપમાનિત કરવાનું બંધ કરીને તેમને આર્થિક રીતે મજબૂત કરવાની દિશામાં કામ કરે.
ભાજપે કેજરીવાલની ગેરંટીને રેવડી ગણાવી હતીઃ વર્ષ 2022માં રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મતદારો માટે અને ખાસ કરીને મહિલાઓ માટે પ્રોત્સાહક યોજનાઓ અને રોકડમાં આર્થિક સહાય આપવાની જાહેરાતો કરાઈ હતી. જેને ભાજપે રેવડી ગણાવી હતી. ત્યારે આજે દિલ્હીની સરકારે જે રીતે મહિલાઓને આર્થિક સહાય આપવાનું વચન પૂર્ણ કર્યું છે ત્યારે કેન્દ્ર અને રાજ્યની સરકાર ગુજરાતની સાથે દેશની મહિલાઓની માફી માંગે તેવી વાત પણ રેશમા પટેલે કરી છે. જે રીતે ભાજપ લોકોને આપવામાં આવતી સહાય ને રેવડી ગણાવે છે તે તેની માનસિકતા છતી કરે છે. ખાસ કરીને જ્યારે મહિલાઓના કિસ્સામાં આ પ્રકારનો શબ્દ પ્રયોગ ખૂબ જ નિંદનીય માનવામાં આવે છે. જે રીતે દિલ્હી સરકારે આર્થિક સહાયની જાહેરાત કરી છે તેવી જાહેરાત ભાજપ શાસીત રાજ્યની સરકારો કરે તેવી માંગ પણ રેશમા પટેલે કરી છે.