ભરૂચ : ભરૂચ લોકસભા બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. બંને પક્ષના દિગ્ગજ નેતાઓ ભરૂચમાં ચૈતર વસાવા માટે પ્રચાર કરવા આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ દિલ્હીના કેન્દ્રીય પ્રધાન અને આપ નેતા ગોપાલ રાય ભરૂચ પહોંચ્યા હતા.
ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાની વાલીયા, ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા અને નેત્રંગ જેવા વિસ્તારોમાં રેલી યોજાઈ હતી. આ રેલીમાં ચૈતર વસાવાના સમર્થનમાં અને તેમના માટે વોટ માંગવા આમ આદમી પાર્ટી દિલ્હીના કેબિનેટ પ્રધાન ગોપાલ રાય ભરૂચ આવ્યા હતા. અહીં તેઓ ચૈતર વસાવાના ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા.
ઝઘડિયામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગોપાલ રાયે નિવેદન આપતા ભાજપની સરકાર અને ભાજપ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. ગોપાલ રાયે કહ્યું કે, આ લોકસભાની ચૂંટણી બે હિસ્સાઓમાં વહેંચાઈ ગઈ છે. ભાજપ સંવિધાનને ખતમ કરવાનું કામ કરી છે અને બીજી તરફ દેશના આદિવાસી, યુવાનો અને દેશની અન્ય પાર્ટીઓ સંવિધાનને બચાવવા માટે એક થઈ છે.
લોકસભાની ચૂંટણી 2 જૂથમાં લડાઇ રહી છે. એક તરફ જનતા છે, બીજી તરફ ભાજપ છે. ભાજપ સરકાર 400 પાર સીટોની વાતોથી લોકોને ભ્રમિત કરી તાનાશાહી લાવવા માંગે છે. 2 તબક્કાના મતદાનમાં જે સામે આવી રહ્યું છે તેના પરથી સ્પષ્ટ છે કે લોકો તાનાશાહી ખતમ કરી સંવિધાન બચાવવા મતદાન કરી રહ્યા છે.
ગોપાલ રાયે કર્ણાટકના સાંસદ " પ્રજ્વલ રેવન્નાના સેક્સ સ્કેન્ડલ વિવાદ " વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "ભાજપ ભ્રષ્ટાચારીઓનો પ્રચાર કરે છે" અને દિલ્હીના મુખ્યમંત્રીને જેલમાં બંધ કરી દે છે. ભાજપના કાંડ બહાર આવી રહ્યા છે અને જો ફરી તે જીતશે તો આ બધા કાંડ દબાવી નાખશે.