કચ્છ : રાજ્યભરમાં લવ જેહાદના કિસ્સાઓની સંખ્યા વધી છે, સાથે જ કચ્છમાં પણ સગીરાઓનું અપહરણ કરવાના બનાવ વધ્યા છે. કચ્છ પોલીસે ભુજ, માંડવી, નખત્રાણા, માધાપરના પાંચ અને રાજસ્થાનના એક કિસ્સામાં આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પશ્ચિમ કચ્છ પોલીસે વેશ પલટો કરવાની સાથે જોખમી ઓપરેશન હાથ ધર્યું હતું.
21 સગીરાઓનું અપહરણ : છેલ્લા સાત મહિનામાં પશ્ચિમ કચ્છમાંથી 21 સગીરાઓનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે. જે પૈકી 14 સગીરાઓને પરત લઈ આવવામાં પોલીસને સફળતા મળી હતી. ત્યારે તાજેતરમાં જ ચાર સગીરા સહિત પાંચ મહિલાઓના અપહરણ થયા હતા. જે પૈકી પાંચ સગીરાઓને આરોપીઓના ચુંગલમાંથી પોલીસે છોડાવીને તેમના વાલીઓને પરત સોંપી હતી.
અપહરણના આરોપીઓ ઝડપાયા : સગીરાઓને લલચાવી ફોસલાવી અપહરણ કર્યા બાદ દુષ્કર્મ કરવાના કિસ્સા વધી જતા પશ્ચિમ કચ્છ પોલીસે અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ તેજ કરી હતી. જેમાં પશ્ચિમ કચ્છ પોલીસના વિવિધ પોલીસ મથકે દાખલ થયેલ અપહરણના કેસમાં આરોપીઓને ઝડપી પાડયા છે. જેમાં ગત 19 મેના માંડવી પોલીસ મથકમાં દાખલ થયેલ પોક્સોના કેસમાં માંડવીના બાગ ગામે રહેતા રજાક સિધિક સુમરાને પકડી પાડી તેના કબજામાંથી સગીરાને છોડાવી હતી.
એક આરોપીને તો બિહારથી ઝડપ્યો : ભુજ પોલીસ સ્ટેશનના 31 મેના રોજ દાખલ થયેલા અપહરણ દુષ્કર્મ કેસમાં ભુજના BSF કેમ્પ પાછળ માલધારીનગરમાં રહેતા અભુભખર રમજુ સુમરાને પકડી પાડી તેના કબજામાંથી એક સગીરાને છોડાવી હતી. માધાપર પોલીસ સ્ટેશનમાં 23 જૂનના નોંધાવાયેલ અપહરણ દુષ્કર્મ કેસમાં આરોપી ઓસમાણ ગની સુલેમાનને ઝુરા ગામના જંગલ વિસ્તારમાંથી પકડી લઇ સગીરાને મુક્ત કરાવી હતી. તો 23 જૂનના સગીરાનું અપહરણ કરી જવાના કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસે સુખપરના આરોપી સલીમ અબ્દુલ જુણેજાને છેક બિહાર રાજ્યના પંચકોકડી વિસ્તારમાંથી દબોચી લીધો અને સગીરાને છોડાવી વાલીને પરત સોંપી હતી.
પોલીસનું જોખમી ઓપરેશન : ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ કચ્છ પોલીસે સાદા વેશમાં રહીને કરીયાણા, શાકભાજી, મોબાઇલની દુકાનો પર વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી સલીમને પોલીસને ઝડપી પાડ્યો અને લલચાવીને લઈ ગયેલ સગીરાને મુક્ત કરાવી હતી. આ ઉપરાંત નખત્રાણા તાલુકાના કોટડા જડોદરની પરિણીત મહિલાને ભગાડી જનાર ઘડાણી ગામના આરોપી અનવર મામદ નોતિયારને પણ પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી પાડ્યો હતો.
લવ જેહાદનો કિસ્સો ? પૂર્વ કચ્છ પોલીસ SP સાગર બાગમારે જણાવ્યું કે, આ તમામ કિસ્સામાં ચાર્જશીટ સહિતની ઝડપી કાર્યવાહી થશે. સાથે આ તમામ કિસ્સામાં લવ જેહાદ જેવી કોઇ ઘટના પડદા પાછળ છે કે નહીં તે દિશામાં તપાસ અને કાયદો વ્યવસ્થાની સ્થિતીને ધ્યાને રાખી વધુ કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ તમામ એંગલથી પોલીસ તપાસ કરશે તેમ જણાવ્યું હતું.