જૂનાગઢ : કોલેજમાં અભ્યાસ કરતી રામદેવ પરાની બે યુવતી એ જ વિસ્તારના ગરીબ અને મજૂર વર્ગના બાળકોને સાંજના સમયે બે કલાક વિનામૂલ્યે શિક્ષણ આપીને શિક્ષણની એક અનોખી જ્યોત આગળ ધપાવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ખાનગી ટ્યુશન રાખી શકતા નથી, આવી પરિસ્થિતિમાં બાળકોની શાળાના શિક્ષણ બાદ શિક્ષણને લગતી મુશ્કેલીઓ દક્ષા અને પૂજા સોલંકી દૂર કરે છે.
અનોખો સેવાયજ્ઞ : જૂનાગઢના સકરબાગ વિસ્તારમાં આવેલા રામદેવ પરામાં રહેતી દક્ષા અને પૂજા સોલંકી કોલેજમાં અભ્યાસ કરે છે. આ સાથે જે તેઓ વિસ્તારના ગરીબ અને મજૂર વર્ગના બાળકોને સાંજના સમયે બે કલાક શિક્ષણ આપીને શિક્ષણની એક અનોખી જ્યોત પ્રજ્વલિત કરી રહી છે. કોલેજમાં અભ્યાસ કરતી આ બંને યુવતી પાછલા એક વર્ષથી ગરીબ અને મજૂર વર્ગના બાળકોની શિક્ષણની ભૂખને સંતોષીને એક આવકારદાયક અને અનુકરણીય કામ કરી રહી છે.
જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણની ભેટ : કોલેજમાં અભ્યાસ કરતી દક્ષા અને પૂજા સોલંકી પાછલા એક વર્ષથી આ કાર્ય કરી રહી છે. ગરીબ અને મજૂર વર્ગના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેમજ શાળામાં અભ્યાસ કર્યા બાદ ઘરે દિવસ દરમિયાન કરેલા શિક્ષણ કાર્યનું પુનરાવર્તન કરી શકે તે માટે બંને યુવતી ખાસ ટ્યુશન આપે છે. તેમજ કેટલાક વિષય કે મુદ્દા જેમાં બાળકોને ઓછી સમજણ પડી હોય તેવા તમામ મુદ્દા અને વિષયને લઈને પણ બાળકોને બે કલાક શિક્ષણ આપી રહી છે.
પૂજા-દક્ષાની સંઘર્ષકથા : પૂજા અને દક્ષા સોલંકીની માતા તેમના બાળપણમાં જ અવસાન પામી હતી. ત્યારબાદ ઘરનું કામ કરવાની સાથે આ બે દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે તેમના પિતા કનુભાઈએ મજૂરી કરીને આ બંને દીકરીઓને કોલેજના શિક્ષણ સુધી પહોંચાડી છે. મજૂરી કરતા પિતા પણ શિક્ષણનું મહત્વ સમજે છે, ત્યારે રામદેવ પરા વિસ્તારના મજૂરી કામે ગયેલા માતા-પિતા તેમના બાળકોના શિક્ષણને લઈને ચિંતા નથી. ત્યારે આ બંને યુવતીઓએ મજૂર વર્ગના માતા-પિતાની ચિંતા સમજીને તેમના બાળકોને સાંજના સમયે દરરોજ બે કલાક શિક્ષણ આપી સાચા અર્થમાં શિક્ષણનું મહત્વ અને મૂલ્ય પણ સમજાવે છે.