ખેડાઃ જિલ્લામાં તમાકુની ચોરી કરતી ગેંગે છેલ્લા કેટલાક સમયથી તરખાટ મચાવ્યો હતો. ડાકોર પોલીસે આ ગેંગના 3ની ધરપકડ કરી લીધી છે. જેથી તમાકુ પકવતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. પોલીસ દ્વારા તમાકુ, ટ્રેક્ટર તેમજ બાઈક સહિત કુલ રૂ.10,77,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
11 સ્થળોએ કરી હતી ચોરીઃ ખેડા જિલ્લામાં મોટા પ્રમાણમાં તમાકુની ખેતી કરવામાં આવે છે.અહીં તમાકુ પકવતા ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી તમાકુની ચોરીને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ઝડપાયેલા આરોપીઓએ પોલીસ પૂછપરછમાં અલગ અલગ વિસ્તારોમાં 11 જગ્યાઓએ ગોડાઉન તોડી લાખો રૂપિયાની તમાકુની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે 9 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી બાકીના આરોપીઓને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
110 બોરી તમાકુની ચોરીઃ ડાકોર પોલીસ સ્ટેશનમાં રાયપુરાના ખેડૂતનું ગોડાઉન તોડીને 110 જેટલી તમાકુની બોરી ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી. જેના આધારે ડાકોર પોલીસે તપાસ શરૂ કરી હતી. જે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે ડાકોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા લક્ષ્મીપુરામાં 2 અજાણ્યા ઈસમો તમાકુ ભરેલી 25 જેટલી બોરી વેચવા આવવાના છે. પોલીસે વોચ ગોઠવી તમાકુ ભરેલી 25 બોરી સાથે 2 આરોપીઓને ઝડપી લીધા હતા. આ મામલામાં સંડોવાયેલ વધુ 1 આરોપીને પણ પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા મહુધા તાલુકાના ઉંદરાના રહેવાસી ભલાભાઈ ઉર્ફે ભલીયો ફુલાભાઈ તળપદા, મનુભાઈ છગનભાઈ પરમાર અને વિક્રમભાઈ ઉર્ફે કાળાભાઈ વાઘજીભાઈ ભરવાડને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
મોડસ ઓપરેન્ડીઃ આ ગેંગે ડાકોરના રાયપુરા અને મલાઈ ગામે, નડીયાદના અરેરા, મહુધાના ચુણેલ, હેરંજ અને વાસણા, મહેમદાવાદના હરીપુરા લાટ ઉપરાંત દાજીપુરા અને અજરપુરામાં ગોડાઉન તોડી ચોરી કરી હતી. આરોપીઓ દિવસે બાઈક ઉપર આવી તમાકુના ગોડાઉનની રેકી કરતા હતા. બાદમાં રાત્રે ગોડાઉનનું લોક તોડી તમાકુની બોરીઓ રોડની બાજુમાં લાવી મુકી ઢગલો કરી અને દૂર ઉભેલા વાહનોને ફોનથી બોલાવી ચોરી કરતા હતા.