ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ભક્તિપુર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવનાર છે. વિશાળ સંખ્યામાં ભાવિકોનો મહેરામણ રંગેચંગે કૃષ્ણ જન્મને વધાવવા માટે ઉમટશે. જેને લઈ મંદિર તમામ તૈયારીઓ પુર્ણ કરી ભગવાનના જન્મોત્સવને વધાવવા સજ્જ બન્યું છે.ભાવિકો સહિત સૌ કોઈ કૃષ્ણ જન્મના વધામણા કરવા આતુર બન્યા છે. ડાકોર રણછોડરાયજી મંદિરમાં જન્માષ્ટમીએ મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
મંદીર દ્વારા તૈયારીઓ કરવામાં આવીઃ જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી મંદિર સજ્જ બન્યું છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં આસોપાલવ પાનના તોરણ બાંધી સજાવટ કરવામાં આવી છે. સાથે જ સમગ્ર મંદિર પરિસરને સુંદર અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે. જન્માષ્ટમીએ વિશાળ સંખ્યામાં મંદિરે આવનારા ભાવિકો સરળતાથી દર્શન કરી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શન માટે એલઈડી સ્ક્રીનની પણ વ્યવસ્થા કરાઈ છે. મંદિરમાં દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમજ સલામતી અને બંદોબસ્ત તેમજ વ્યવસ્થા જાળવણી માટે વહીવટી અને પોલિસ તંત્ર દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
રાજાધિરાજ રત્નજડિત મોટો મુગટ ધારણ કરશેઃ સવારે ભગવાનને પંચામૃત સ્નાન,કેસર સ્નાન બાદ રત્નજડિત મોટા મુગટ સહિત વિવિધ પ્રકારના વિશેષ આભૂષણો ધારણ કરાવવામાં આવશે.ભગવાનને શણગાર ભોગ,બાલભોગ તેમજ છપ્પનભોગ જેવા ભોગ ધરાવવામાં આવશે.રાત્રે ભગવાનનો જન્મ થશે અને ભગવાન ગોપાલલાલજીને સોનાના પારણામાં ઝુલાવવામાં આવશે.મધરાતે કૃષ્ણ જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે જે વહેલી સવાર સુધી ચાલશે. જેને લઇ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા ભાવિકો તત્પર બન્યા છે.
ભાવિકો દર્શન કરી શકે તે માટે સુંદર વ્યવસ્થા: ટેમ્પલ કમિટી : ડાકોર ટેમ્પલ કમિટીના સભ્ય નિતિનભાઈ સેવકે જણાવ્યું હતું કે, ભાવિકો સરળતાથી દર્શન કરી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં અને મંદિર બહાર એલઈડી સ્ક્રીન મુકાશે. પોલિસ તંત્ર દ્વારા પણ સાથ સહકાર આપી સુંદર વ્યવસ્થા કરાઈ છે.
ભક્તો અને સેવકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે: પૂજારી : રણછોડરાયજી મંદિરના પૂજારી સંજયભાઈએ જણાવ્યું હતું કે, ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભક્તો અને સેવકો દ્વારા જન્માષ્ટમી પર્વની રાહ જોવાઈ રહી છે. જેની પૂર્વ તૈયારીઓ રૂપે મંદિરમાં રોશની કરવામાં આવી છે મેનેજમેન્ટ દ્વારા પૂરતા દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી દૂરદૂરથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા આવતા ભક્તોને દર્શનનો લાભ મળી શકે. લાંબા સમય સુધી દર્શન ખુલ્લા રહે અને દર્શનમાં સુવિધા રહે તે હેતુથી તૈયારી કરવામાં આવી છે. મંદિરમાં નિત્ય નિયમ અને વેદોક્ત મુજબ જે કોઈ તૈયારી કરવાની પંચદ્રવ્યો, અલંકાર, આભૂષણ અને પૂજારીઓ દ્વારા જો કંઈ તૈયારીઓ કરવાની હોય એ પૂરજોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાવિકો અને ઠાકોરજીના પૂજારીઓ કૃષ્ણ જન્મોત્સવની રાહ જોઈ રહ્યા છે.