દાહોદ: પૈસાની લેતી-દેતી મામલે વર્ષ 1980માં રાજસ્થાનના કોટા નજીક એક યુવકની હત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ હત્યામાં સંડોવાયેલા 4 શખ્શો પૈકી એક શખ્સ 44 વર્ષે પોલીસના હાથે ઝડપાયો છે. બનાવની ઘટના એવી છે કે ટેટીયાભાઇ ભીમજી ઉર્ફે મામા ભીલે રાજસ્થાનના કેથૂન પોલીસ સ્ટેશનેે 24/6/1980 ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે તેમના દિતિયાભાઇ જે પાંગળા જમાદારને ઉછીના પૈસા આપેલા હતા જે લેવા માટે ડાઢદેવી રેલ્વે સ્ટેશન પાસે પાંગળા જમાદારના તંબુએ ગયા છે તેવુ જણાવ્યુ હતુ ત્યારબાદ દિતિયાભાઈ સાંજ સુધી પરત નહીં ફરતા હું અને મારો ભત્રીજો ફારૂકભાઇ સાથે અમે પાંગળા જમાદાર પાસે ગયા હતાં ત્યારે સ્થળ પર પાંગળા જમાદાર સિવાય બીજુ કોઇ હાજર ન હતુ અને પાંગળા જમાદારે કહ્યુ કે, તારો ભાઇ ટકનીયા ગામ બાજુ ગયેલ છે. જેથી ફરીયાદી અને તેના ભત્રીજાએ મૃતકની શોધખોળ કરી પરંતુ તે મળી આવ્યા ન હતા. ત્યારબાદ બીજા દિવસે દીતિયાભાઈનો મૃતદેહ ડાઢદેવી રેલ્વે સ્ટેશની નજીક જંગલમાંથી મળી આવ્યો હતો અને દીતિયાભાઇની કોઇ તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી હત્યા કરી નાખવામાં આવી હતી અને તેની સાયકલ પણ ત્યાં પડી મળી આવી હતી.
જાણો કઈ કઈ કલમ હેઠળ ગુનો દાખલ થયો: રાજસ્થાન પોલીસે રાજયના કૈથુન પોલીસ સ્ટેશન ગ.ર.નં.૭૭/૧૯૮૦ ઇ.પી.કો.કલમ.૩૦૨,૨૦૧ મુજબ ગુન્હો દાખલ થયેલ હતો. જેમાં પાંગળાભાઇ જમાદાર રહે. ગુંદીખેડા તેમની જે તે વખતે ગુનાના કામે અટક કરવામાં આવી હતી જેમાં તપાસ દરમ્યાન બીજા પાંચ આરોપીઓના નામ ખુલ્યા હતાં જેમાંથી મગનભાઇ વસનાભાઈ મામા ભીલ રહે ગુંદીખેડા દાહોદનાનો મરણ થયેલ હોય જેના મરણ દાખલ મેળવી કૈથુન પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ કોર્ટમાં રજુ કર્યો છે.
જાણો શું કહ્યુ પોલીસે: જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે હાલ લોકસભા ચૂંટણીની કામગીરી ચાલી રહી છે. સામાન્ય રીતે અલગ અલગ રાજ્યના વોન્ટેડ ફરાર આરોપીનું લિસ્ટ શેર કરવામાં આવતું હોય છે. ચૂંટણી સમય દરમિયાન લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ પકડમાં આવે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યોગ્ય રહે માટે આ કામગીરી રાજસ્થાન તરફથી આપવામાં આવી હતી. તે કામગીરીમાં 1980 માં કેથુન પોલીસ સ્ટેશન 77/1980 નો ગુનો દાખલ થયેલો હતો, જેમાં દીતાભાઈની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દેવામાં આવી હતી. તેમની લાશ જંગલમાંથી મળી આવી હતી. જે પૈકી આ ગુનામાં ચાર વોન્ટેડ આરોપીઓ જાહેર કરાયા હતા જેમાં આ ચાર વોન્ટેડ આરોપી પૈકી બદિયાભાઈ વસનાભાઇ માવી ગામ ગુંદીખેડા જીલ્લો દાહોદના રહેવાસી છે. તેની પેરોલ ફલો સ્કોડ તરફથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઘરે આવવાની માહિતી મળતા પોલીસ ઘરે પહોંચી હતી ત્યારે આરોપીએ પોલીસને જોતા આરોપી ભાગવા લાગ્યો હતો અને પોતાના બચાવ માટે અને ફરાર થવા સારું પોલીસ સામે હુમલો કરવાના હેતુથી પથ્થર ઉપાડી લીધો હતો. ત્યારબાદ પોલીસે તેને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. તપાસમાં તેણે પોતાનું નામ કલસીગભાઇ હોવાનું રટણ ચાલુ રાખ્યુ હતું. ગ્રામજનો અને પરિવારજનોના આધાર કાર્ડ અને દસ્તાવેજો ચકાસતા તેનું નામ બદિયાભાઇ વસનાભાઇ માવી મામા ભીલ જાણવા મળ્યુ છે. તેમણે આ હત્યા 1980 માં કરી હતી તેવી કબુલાત કરી છે. હાલ તેમની ઉંમર 66 વર્ષ છે. આ ગુનામાં ત્રણ આરોપી વોન્ટેડ છે. અન્ય ત્રણ આરોપી દાહોદ જિલ્લાના હોવાનું જાણવા મળ્યુ છે, તેમાં ચાર આરોપી પૈકી એક આરોપી મગન વંશના મામા ભીલનુ મૃત્યુ થઈ ગયુ છે. તેનો મરણનો દાખલો રાજસ્થાન પોલીસને સોપ્યો છે.
આદિવાસી વિસ્તાર હોવાથી શિક્ષણનું પ્રમાણ નહીવત: દાહોદ જિલ્લો ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશની સરહદે આવેલો હોય તથા આદિવાસી વિસ્તાર હોવાથી શિક્ષણનું પ્રમાણ નહીવત હોવાથી અને જીવન નિર્વાહ ચલાવવા માટે રોજગારી નહીં હોવાથી અહીંના લોકો ઉછીના રૂપિયા લઇ આપવા ન પડે તે માટે રૂપિયા આપનારને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતા હોય છે જેને લઈને અહીંના લોકો માટે સ્થાનિક રોજગારી ઊભી કરવી જોઈએ.