દમણ : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના બોરડીથી ટેમ્પો ટ્રાવેલ્સ બસમાં યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓની બસને શુક્રવારે નસીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.
ગંભીર બસ અકસ્માત : મળતી વિગતો મુજબ DD 01 U 9097 નંબરના ટેમ્પો ટ્રાવેલરમાં 19 લોકો સેલવાસ દાદરાનગર હવેલીથી મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ચિત્રકૂટ, પ્રયાગરાજ, કાશી વિશ્વનાથ, અયોધ્યાથી મથુરા વૃંદાવન જઈ રહ્યા હતા. શુક્રવારે સવારે ફિરોઝાબાદ વિસ્તારમાંથી પસાર થતા આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર હાઇવેની બાજુમાં પાર્ક કરેલ માઇલસ્ટોન 54 કન્ટેનર HR 73 B 7756 સાથે આ ટેમ્પો ટ્રાવેલરનો અકસ્માત થયો હતો.
ત્રણ લોકોના મોત : બસ અકસ્માતની આ ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. મળતી વિગતો મુજબ સેલવાસના ખરડપાડા ગામના સ્કૂલ ફળિયામાં રહેતા 60 વર્ષીય રાધાબેન કાંતિભાઈ ભંડારી, સેલવાસના હોરિઝોન ટાવરમાં રહેતી 2 વર્ષીય ત્રિસા વિરલભાઈ ભંડારી અને મહારાષ્ટ્રના બોરડી ખાતે રહેતા 13 વર્ષીય યુગ ભંડારીનું મૃત્યુ નીપજ્યું છે. જેઓના પરિવારને ઘટનાની જાણકારી મળતા તેઓ અયોધ્યા જવા રવાના થયા અને આજે પરિજનોના મૃતદેહોને લઈને પરત આવશે.
12 લોકો ગંભીર રીતે ઘાયલ : આ ઉપરાંત અકસ્માતમાં 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો ગુજરાતને લાગુ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના ખરડપાડાના રહેવાસી છે. આ યાત્રાનું આયોજન બોરડીના હિરેન નામના વ્યક્તિએ કર્યું હતું.
ઘાયલ મુસાફરોની વિગતો : વિરલ રમેશભાઈ પટેલ ઉંમર 35 વર્ષ, જયકુમાર વિમલભાઈ પટેલ ઉંમર 15 વર્ષ, નીલા રમેશભાઈ ઉંમર 58 વર્ષ સૈફઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે કલ્પના સુનીલભાઈ ઉંમર 40 વર્ષ, અસ્મિતા દિલીપભાઈ ઉંમર 49 વર્ષ, રીના વિરલભાઈ ઉંમર 31 વર્ષ, વેદ વિમલ ભંડારી ઉંમર 16 વર્ષ, રેખા મિલન પટેલ ઉંમર 38 વર્ષ ફિરોઝાબાદ જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. CHC શિકોહાબાદમાંથી 1. બસ ડ્રાઈવર મનીષ નાનુભાઈને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ છે.