વડોદરા: મધ્યમ વર્ગીય લોકોને સારા ખરાબ પ્રસંગમાં પૈસાની જરુરત તો રહેતી જ હોય છે. ત્યારે તેઓ કોઇની પાસેથી પૈસા માંગી લેતા હોય છે નહી, તો પોતાના સોના ચાંદીના દાગીના ફાઇનાન્સ કંપનીમાં મૂકીને વ્યાજ ભરીને પૈસા લઇ જાય છે. મણપુરમ ગોલ્ડ લોન મુથૂટ ફાઇનાન્સ જેવી ઘણી કંપનીઓ આ કામ કરે છે. ત્યારે આજ કંપનીઓ સાથે છેતરપિંડી થાય તો. આવી જ એક ઘટના ડભોઇમાંથી સામે આવી છે. જેમાં મુથૂટ ફાયનાન્સ કંપની સાથે એક શખ્સે 12 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે.
ડભોઈ પોલીસમાં નોંધાઈ ફરિયાદ: સમગ્ર ઘટના અંગે ડભોઇ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી વિગત અનુસાર ડભોઇમાં શ્રીજી કોમ્પલેક્ષ ખાતે આવેલ મુથૂટ ફાયનાન્સ દ્વારા ગોલ્ડ લોનનું ધિરાણ કરવામાં આવે છે. ત્યાં મુથૂટ ફાયનાન્સના મેનેજરને એક શખ્સે વિશ્વાસમાં લીધો હતો. અને ગોલ્ડ લોન ટેક ઓવર કરાવવાનું કહીને 12 લાખની છેતરપિંડી આચરી હતી.કોઇ પણ બેંક ત્યારે ધિરાણ આપતી હોય છે. જ્યારે ગ્રાહક પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ કે સોનું હોય ત્યારબાદ તેની ચૂકવણી કરવામાં આવતી હોય છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, મુથૂટ ફાયનાન્સના મેનેજરે આ ઠગ ગ્રાહક પાસેથી પૂરતા ડોક્યુમેન્ટ્સ કે સોના વગર ધિરાણ આપી દીધું હતું.
બ્રાન્ચ મેનેજરે શખ્સ ઉપર વિશ્વાસ મૂક્યો: ડભોઇ પોલીસ મથકમાં જયેશકુમાર પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મુથૂટ ફાયનાન્સ પ્રાઇવેટ લિમિટેડમાં આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર છે. આ કંપની દ્વારા ગોલ્ડ ફાયનાન્સ ઉપર લોન આપવામાં આવે છે. ડભોઇ બ્રાન્ચમાં ભાજવાણી દિપકભાઇ ભરતભાઇનું એકાઉન્ટ હતું. જેને વર્ષ 2024માં રૂ. 19 લાખની લોન લીધી હતી. તેઓ બીજી ગોલ્ડ લોન લેવા માંગતા હોવાથી તેમના ખાતામાં જમા ગોલ્ડ પર માત્ર રૂ. 12.82 લાખની લોન મળી શકે તેમ હતું. જેથી તેણે ICICI બેંકમાંથી રીસિપ્ટ અને સ્ટેટમેન્ટ લાવીને બેંક ટ્રાન્સફર ફોર્મ જાતે ભરીને સહી કરેલો ચેક આપ્યો હતો.
મેનેજરે મીડિયાને જવાબ આપ્યો નહી: આ શખ્સે મેનેજરને વિશ્વાસ અપાવ્યો કે, અન્ય બેંકમાં મૂકેલું 275 ગ્રામ સોનું લાવીને આપશે. બાદમાં લોન પ્રોસેસ કરવામાં આવી હતી. જે મંજૂર થતા રૂ. 12.82 લાખ એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ લોન લેવા માંગતી હોય તો પૂરતા ડોક્યુમેન્ટસ કે વસ્તુ બેંકની અવેજમાં આવ્યા બાદ જ તેની ચુકવણી થતી હોય છે. પરંતુ આ કિસ્સામાં બ્રાન્ચ મેનેજર અને ઇન્ચાર્જ મેનેજર દ્વારા અગાઉ પેમેન્ટ ચૂકી દેવામાં આવ્યું. સમગ્ર ઘટના અંગે ડભોઈ બ્રાન્ચ મેનેજર દ્વારા સમગ્ર ઘટના ઉપર પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેઓએ મીડિયા સમક્ષ કોઈ પ્રત્યુતર આપ્યો નહોતો.
ડભોઇના બેંકિંગ ક્ષેત્રમાં ફફડાટ: આ ઘટનાને પગલે ડભોઇનાં બેન્કિંગ ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ડભોઇ નગરમાં ગલી ગલીએ ચાલતા ફાઇનાન્સરો પણ આ બાબતે ચિંતિત નજરે પડ્યાં હતાં. હાલમાં ડભોઇ નગરમાં વિવિધ ક્ષેત્રે ફાયનાન્સરો ઉભરાઈ રહ્યા છે અને તેઓ પણ લોકો પાસેથી તગડું વ્યાજ વસૂલી રહ્યા છે. તો ગ્રાહકો પણ કંઈક નવા નુસખાઓ અપનાવીને ફાઇનાન્સરોને છેતરવાના પ્રયાસો કરી રહ્યાં હોય તેવો ઘાટ સર્જાયો છે. હાલ તો ડભોઇમાં ઠેર ઠેર સટ્ટાબાજી, દારૂ, ડ્રગ્સ, જુગાર જેવી ગુનાહિત પ્રવૃતિઓથી પૂરજોશમાં ચાલે છે. જેની સાથે સાથે ફાયનાન્સરો પણ આ તકનો લાભ ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે, ડભોઈ પોલીસ આ બાબતે કેવાં પગલાં ભરે છે.
આ પણ વાંચો: